બાળક રડી રહ્યો નહોતો અને દૂધ પણ પી રહ્યો નહોતો તેથી માતા લાગી રહ્યુ હતુ કે તેમના બાળક પર કોઈ જાદુટોણો થઈ ગયો છે
લખનૌ
યુપીના બારાબંકીમાં એક નિર્દયી માતાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક માતાએ પોતાના પાંચ જ દિવસના નવજાત બાળકના હાથની આંગળીઓ અંધવિશ્વાસના કારણે ઉકળતા તેલમાં દઝાડી દીધી, કેમ કે તે રડી રહ્યો નહોતો અને દૂધ પણ પી રહ્યો નહોતો. તેથી તેને લાગી રહ્યુ હતુ કે તેમના બાળક પર કોઈ પ્રકારનો જાદુટોણો થઈ ગયો છે.
સમગ્ર મામલો ફતેહપુર સીએચસીનો છે, જ્યાં આશિયા અને ઈરફાન નામનું દંપતી પોતાના પાંચ દિવસના બાળકને સારવાર માટે લઈને આવ્યા હતા. બંને ફતેહપુર વિસ્તારમાં જ ઈસરૌલી ગામના રહેવાસી છે. જોકે, આશિયાએ પોતાના નવજાત બાળકની આંગળીઓ ગરમ તેલમાં માત્ર એટલા માટે દઝાડી દીધી કેમ કે તે ન તો દૂધ પી રહ્યુ હતુ અને ના રડી રહ્યુ હતુ. તેથી અંધવિશ્વાસના કારણે આશિયાને લાગ્યુ કે તેમના બાળક પર કોઈ પ્રકારના ભૂત-પ્રેતની અસર છે. આશિયાએ જણાવ્યુ કે તેમના બે બાળકો અગાઉ મૃત્યુ પામી ચૂક્યા છે, તેથી તેને ડર હતો કે આ બાળકને પણ કંઈ થઈ ન જાય. તેથી અંધવિશ્વાસના કારણેતેણે પોતાના નવજાત બાળકની એક આંગળી ગરમ તેલમાં દઝાડી પરંતુ ભૂલથી તમામ આંગળી તેલમાં દાઝી ગઈ.
માતા આશિયાએ જણાવ્યુ કે તેમના બાળકનો રવિવારે જન્મ થયો હતો એટલે તેને કોઈ ભૂતપ્રેતની આશંકા હતી. જ્યારથી બાળકની આંગળી દઝાડી છે, તે ત્યારથી રડવા પણ લાગ્યુ છે અને દૂધ પણ પી રહ્યુ છે. હવે બસ તેને તાવ છે, બાકી બાળક એકદમ સ્વસ્થ થઈ ગયુ છે. બાળકના પિતાએ જણાવ્યુ કે જ્યારે તેમની પત્નીએ બાળકની આંગળી દઝાડી તે સમયે તેઓ ઘરે નહોતા.