સીએબીના અધ્યક્ષે શ્રીવત્સ ગોસ્વામીના મેચ ફિક્સિંગના આરોપો પર ચર્ચા કરવા માટે તેની પ્રથમ-શ્રેણીની લીગની ટુર્નામેન્ટ સમિતિની એક બેઠક બોલાવી
કોલકતા
ભારતીય ક્રિકેટમાં ફરી એકવાર ફિક્સિંગનુ ભૂત ધૂણ્યુ છે. પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીવત્સ ગોસ્વામીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જ ખળભળાટ મચી ગયો હતો. તેમણે કોલકાતામાં ફર્સ્ટ ક્લાસ લીગ ક્રિકેટમાં મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો છે. આ અંગે ગાંગુલીએ રિપોર્ટ પણ મંગાવ્યો છે.
શ્રીવત્સ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર બે વીડિયો શેર કરતા લખ્યું હતું કે બેટર બીજી ટીમને પોઈન્ટ આપવા માટે જાણી જોઈને પોતાની વિકેટ ગુમાવી રહ્યા છે. આ અંગેની નોંધ લેતા, ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (સીએબી)ના અધ્યક્ષે શ્રીવત્સ ગોસ્વામીના મેચ ફિક્સિંગના આરોપો પર ચર્ચા કરવા માટે તેની પ્રથમ-શ્રેણીની લીગની ટુર્નામેન્ટ સમિતિની એક બેઠક બોલાવી છે. ગોસ્વામીએ આરોપ લગાવ્યો છે કે મોહમ્મડન સ્પોર્ટિંગના બેટરો ટાઉન ક્લબને સાત પોઈન્ટ બનાવવા માટે જાણી જોઈને તેમની વિકેટ ગુમાવી રહ્યા હતા.
ગોસ્વામીએ પોતાની ફેસબુક પોસ્ટમાં બે વીડિયો શેર કરતા લખ્યું હતું કે, ‘આ કોલકાતા ક્લબ ક્રિકેટમાં સુપર ડિવિઝન મેચ છે, બે મોટી ટીમો આવું કરી રહી છે, કોઈને અંદાજો છે કે અહીં શું થઈ રહ્યું છે? મને શરમ આવે છે કે મેં તે રમત રમી જે મારા હૃદયની આટલી નજીક છે. મને ક્રિકેટ ગમે છે અને મને બંગાળમાં રમવું ગમે છે, પરંતુ આ જોઈને મારું હ્રદય તૂટી જાય છે. ક્લબ ક્રિકેટ એ બંગાળ ક્રિકેટનું હૃદય અને આત્મા છે, કૃપા આને બર્બાદ ન કરો. મને લાગે છે કે આ ક્રિકેટ માટે વેકઅપ કોલ છે.’
યોગાનુયોગ સીએબી સંયુક્ત સચિવ દેવબ્રત દાસ ટાઉન ક્લબ સાથે સંકળાયેલા છે. આ મામલે તેણે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જ્યારે સીએબી અધ્યક્ષ સ્નેહાશીષ ગાંગુલીએ ટૂર્નામેન્ટ સમિતિની બેઠક વિશે માહિતી આપતા કહ્યું કે અમ્પાયરોનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. શાકિબ હબીબ ગાંધીના 223 રનની મદદથી ટાઉન ક્લબે 446 રન બનાવ્યા હતા, જેના જવાબમાં મોહમ્મડન સ્પોર્ટિંગ 9 વિકેટ ગુમાવીને 281 રન જ બનાવી શકી હતી.