ચીમાનું મૃત્યુ એ વાતની પુષ્ટિ કરે છે કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનોનું આશ્રયસ્થાન બની ગયું છે
કરાચી
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ઈન્ટેલિજન્સ ચીફ આઝમ ચીમાનું પાકિસ્તાનમાં મૃત્યુ થઈ ગયું છે. ફૈસલાબાદમાં હાર્ટ એટેકના કારણે 70 વર્ષની વયે તે મૃત્યુ પામ્યો હોવાનો ખુલાસો થયો છે. તાજેતરમાં જ પાકિસ્તાનમાં લશ્કરના ઘણા આતંકવાદીઓ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા, જેના કારણે પાકિસ્તાન અકળાયું હતું. તેણે આ હત્યાઓ પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ભારત આ વાતનું સતત ખંડન કરતું રહ્યું છે.
ભારતે પાકિસ્તાનના આરોપો અંગે કહ્યું હતું કે અમે આતંકીઓની કોઈ હિટલિસ્ટ તૈયાર નથી કરી અને જો કરી હોત તો હાફિઝ સઈદ અને મૌલાના મસૂદ અઝહરની સાથે ચીમા ટોપ પર હોત. ચીમા 26/11ના મુંબઈ હુમલા અને જુલાઈ 2006માં મુંબઈમાં થયેલા ટ્રેન બોમ્બ ધડાકા તેમજ અન્ય કેટલાક આતંકવાદી હુમલા પાછળના માસ્ટરમાઇન્ડ પૈકી એક હતો. ચીમાનું મૃત્યુ એ વાતની પુષ્ટિ કરે છે કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનોનું આશ્રયસ્થાન બની ગયું છે. જો કે પાકિસ્તાન વારંવાર આ વાતને નકારી રહ્યું છે.
ચીમા લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી હતો. તે ઘણીવાર લેન્ડ ક્રુઝરમાં 6 બોડીગાર્ડ સાથે ફરતો જોવા મળ્યો હતો. બહાવલપુર કેમ્પમાં તાલીમ લઈ રહેલા જેહાદીઓનું બ્રેઈનવોશ કરવા માટે તે એકવાર આઈએસઆઈના ભૂતપૂર્વ વડા જનરલ હમીદ ગુલ, બ્રિગેડિયર રિયાઝ અને કર્નલ રફીકને લાવ્યો હતો. ચીમાને મેપ એક્સપર્ટ તરીકે ઓળખાતો હતો. તેણે જેહાદીઓને નકશા પર ભારતના મહત્વના સ્થળો જોવાનું શીખવ્યું, જેથી ત્યાં હુમલા કરી શકાય. એવું પણ કહેવાય છે કે તે સેટેલાઇટ ફોન દ્વારા ભારતમાં આતંકવાદીઓને સૂચના આપતો હતો.