મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉત્તર પ્રદેશ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી, પોલીસ સર્વેલન્સ સેલની મદદથી ધમકી આપનાર વ્યક્તિના મોબાઈલ ફોનને ટ્રેસ કરી રહી છે
લખનૌ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મામલે સેન્ટ્રલ ઝોનના મેટ્રોપોલિટન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.નવાઈની વાત એ છે કે ખુદ હેડ કોન્સ્ટેબલને જ ફોન કરીને સીએમ યોગી વિશે આ ધમકી આપવામાં આવી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉત્તર પ્રદેશ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ સર્વેલન્સ સેલની મદદથી ધમકી આપનાર વ્યક્તિના મોબાઈલ ફોનને ટ્રેસ કરી રહી છે.
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ સીએમ યોગી માટે 2 માર્ચે સીયુજી નંબર પર ધમકીભર્યો કોલ આવ્યો હતો. આ કોલ હેડ કોન્સ્ટેબલે ઉપાડ્યો હતો. હેડ કોન્સ્ટેબલને ફોન કરનારે કહ્યું કે આજે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ પછી, સિક્યોરિટી હેડક્વાર્ટરમાં તૈનાત હેડ કોન્સ્ટેબલની ફરિયાદ પર સેન્ટ્રલ ઝોનના મેટ્રોપોલિટન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
ફોન કરનારે 2 ફેબ્રુઆરીએ મોડી રાત્રે સીયુજી નંબર પર ફોન કર્યો હતો. ઈન્સ્પેક્ટર અખિલેશ મિશ્રાના જણાવ્યા અનુસાર ફરિયાદના આધારે રવિવારે કેસ નોંધવામાં આવ્યો છે. ચાર ટીમો આરોપીને શોધી રહી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. સર્વેલન્સ સેલ તેના મોબાઈલ નંબરના આધારે ધમકી આપનાર વ્યક્તિનું લોકેશન ટ્રેસ કરવામાં લાગી છે.