ગુરુગ્રામ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મેટ (MET) સિટી એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરવા જઈ રહી છે, કારણ કે સ્વીડનની કંપની સાબ પ્રખ્યાત કાર્લ-ગુસ્તાફ વેપન સિસ્ટમનું ભારતમાં તેનું પ્રથમ ઉત્પાદન એકમ અહીં સ્થાપશે. સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવામાં ભારત માટે આ એક નોંધપાત્ર પગલું છે કારણ કે સંરક્ષણ ક્ષેત્રે આ ભારતનું પ્રથમ 100 ટકા સીધું વિદેશી મૂડીરોકાણ (FDI) હશે, આમ ભારતને મુખ્ય સંરક્ષણ તકનીકોમાં આત્મનિર્ભર બનાવવા માટેનો એક નવો અધ્યાય શરૂ થશે. સાબ સ્વીડનના સંરક્ષણ ક્ષેત્રની વિશાળ કંપની છે અને તેમની પાસે સંરક્ષણ ઉત્પાદનોની વિશાળ શ્રેણી છે તથા ભારત સાથે તેમનો સંબંધ નવો નથી.
હરિયાણામાં પ્લાન્ટનું બાંધકામ શરૂ કરવા માટે આજે સાબ એફએફવીઓ ઈન્ડિયા દ્વારા બંને કંપનીઓ વચ્ચેના કરાર પર હસ્તાક્ષર અને ત્યારબાદ ‘ખાત મૂહૂર્ત‘ની સાથે જ રિલાયન્સ મેટ સિટીમાં પહેલેથી જ વિવિધ ક્ષેત્રના એકમોની સાથે સંરક્ષણ ક્ષેત્રનો પણ ઉમેરો થતાં નવી અને વિસ્તરતી તકોના દરવાજા ખુલ્યા છે.
રિલાયન્સ મેટ સિટીમાં વિવિધ ક્ષેત્રોમાં પહેલેથી જ નવ દેશોની કંપનીઓ આવી ચૂકી છે. ઉત્તર ભારતમાં ઝડપથી વિસ્તરતા બિઝનેસ હબમાં સ્થાન ધરાવતું મેટ સિટી સંરક્ષણ, એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટો કમ્પોનન્ટ્સ, તબીબી ઉપકરણો, એફએમસીજી, ફૂટવેર, પ્લાસ્ટિક, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને અન્ય ઘણા બધા ઉદ્યોગો માટે પસંદગીના સ્થળ તરીકે જાણીતું બન્યું છે. આ સિટી ભારતના સૌથી મોટા આઇજીબીસી પ્લેટિનમ રેટેડ ઈન્ટિગ્રેટેડ સ્માર્ટ સિટીમાંની એક છે અને હરિયાણામાં એકમાત્ર જાપાન ઈન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ (જેઆઇટી) તરીકે સ્થાપિત છે, જ્યાં ઈલેક્ટ્રોનિક્સથી લઈને ઓટો-કમ્પોનન્ટ્સથી લઈને મેડિકલ ડિવાઈસના ક્ષેત્રોની છ જાપાનીઝ કંપનીઓનો સમાવેશ થાય છે. અહીં દક્ષિણ કોરિયાની છ કંપનીઓ અને સ્વીડન સહિત યુરોપની બહુવિધ કંપનીઓ પણ આવી ચૂકી છે.
વેચાણ દસ્તાવેજ અને ખાત મૂહૂર્ત પ્રસંગે અવતરણો:
“ભારતમાં 100 ટકા સીધા વિદેશી રોકાણ માટેની મંજૂરી મેળવનારી પ્રથમ વૈશ્વિક સંરક્ષણ કંપની બનવા બદલ અમે ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ. ભારતમાં અમારો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રિલાયન્સ મેટ સિટી સાથેની ભાગીદારી મેઇક ઇન ઇન્ડિયા પહેલ અને ભારતીય સંરક્ષણ દળો સાથેના અમારા ગાઢ સહયોગ માટેની અમારી મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમે તેના વ્યૂહાત્મક સ્થાન, સારી રીતે વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રશિક્ષિત માનવશક્તિની ઉપલબ્ધતાને કારણે રિલાયન્સ મેટ સિટી પસંદ કર્યું છે”, તેમ સાબ ઈન્ડિયા ટેક્નોલોજીસના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અને સાબ એફએફવીઓ ઈન્ડિયાના મેમ્બર ઓફ બીઓડી શ્રી મેટ્સ પામબર્ગે કહ્યું હતું.
મેટ સિટીના સીઈઓ અને વ્હોલ ટાઇમ ડિરેક્ટર શ્રી એસ.વી. ગોયલે જણાવ્યું હતું કે, “અમે રિલાયન્સ મેટ સિટીમાં સાબનું સ્વાગત કરવા માટે રોમાંચિત છીએ, તે મહત્વની વૈશ્વિક કંપનીઓને મેટ સિટીમાં આમંત્રિત કરવાની અમારી સફરમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. સાબ ભારતના પ્રથમ 100 ટકા એફડીઆઇ FDI માન્ય સંરક્ષણ ઉત્પાદક તરીકે બેસ્ટ-ઇન-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટેના અમારા સંકલ્પને માત્ર મજબૂત નહીં બનાવે પરંતુ વૈશ્વિક કંપનીઓ માટે વ્યવસાય કરવા માટે મેટ સિટીને પસંદગીના સ્થાન તરીકે પણ સ્થાપિત કરશે. તેના પ્લગ-એન-પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઇજીબીસી પ્લેટિનમ રેટેડ સર્ટિફિકેશન અને વિવિધ નવ દેશોમાંથી આવેલી કંપનીઓ સાથે મેટ સિટી વિવિધ ક્ષેત્રોની કંપનીઓને આકર્ષતા ભારતના અગ્રણી બિઝનેસ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે. તે ટકાઉ વિકાસ યાત્રાનો એક અગ્રણી પ્રોજેક્ટ છે, તેમાં રૂ. 8,000 કરોડનું રોકાણ પહેલેથી જ પ્રતિબદ્ધ છે. હાલમાં મેટ સિટી 2200 એકરથી વધુ માટે લાઇસન્સ ધરાવે છે અને પ્રોજેક્ટ પહેલાથી જ 40,000થી વધુ લોકોને રોજગાર પૂરી પાડી ચૂક્યો છે.”
મેટ સિટીના બિઝનેસ ડેવલપમેન્ટ વીપી અને હેડ શ્રી વૈભવ મિત્તલે જણાવ્યું કે, “અમે મેટ સિટી ખાતે સાબ જેવી વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદક કંપનીને આવકારવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ ઘટના વૈશ્વિક કંપનીઓને ભારતમાં અને હરિયાણામાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવાની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સાથે મેટ સિટી હવે સમગ્ર વિશ્વમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ માટેના મુખ્ય સ્થાન તરીકે જોઈ શકાશે અને આ રીતે આ પ્રદેશના એકંદર વિકાસ માટેનો માર્ગ મોકળો થશે. જેમ જેમ ભારત સંરક્ષણ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બનશે, તેમ આ પ્લાન્ટ અન્ય ઘણી કંપનીઓ માટે અનુસરણ કરવા ઉદાહરણ રૂપ બની રહેશે.”