હાઈટેન્શન વાયર બસ પર પડતાં આગથી 10 લોકોનાં મોત

Spread the love

આ બસ દુર્ઘટનામાં આશરે 20 લોકો અકસ્માતનો ભોગ બન્યા હોવાની પ્રાથમિક માહિતી મળી

ગાઝીપુર

ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. એક હાઇટેન્શન વાયર ચાલુ બસ પર પડતાં આ બસ આગની ઝપેટમાં આવી ગઇ હતી. જેના કારણે અનેક લોકો જીવતા ભડથું થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ બસ દુર્ઘટનામાં આશરે 20 લોકો અકસ્માતનો ભોગ બન્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

અધિકારીઓના અહેવાલ અનુસાર, અત્યાર સુધી 10 લોકોના મોતની માહિતી છે. આ બસ એક લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહી હતી. તે સમયે આ દુર્ઘટના મરદહમાં સર્જાઈ હતી. જિલ્લાના ડીએમ અને એસપી સહિત અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ બસ મઉના કોપાગંજથી જાનૈયાઓને લઈને મરદહના મહાહર ધામ આવી રહી હતી. આ દરમિયાન કાચા રોડથી આવતી બસને અકસ્માત નડ્યો હતો. બસમાં 35થી વધુ લોકો સવાર હતા.


આ ઘટના પર સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કરતાં અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. હાઈ ટેન્શન વાયર લટકતો અને બસને આગને લપેટમાં જોઈ લોકોએ બચાવ અભિયાન ચલાવવાની પણ હિંમત નહોતી કરી. લોકો દૂરથી જ ઊભા ઊભા જોતા રહ્યા હતા. આ મામલે વીજળી વિભાગને જાણ કરાયબા બાદ પવાર સપ્લાય બંધ કરાયો અને પછી લોકોએ બસની નજીક જઈને બચાવ કામગીરી કરી હતી. 


વારાણસીના ડીઆઈજી ઓપી સિંહના જણાવ્યા અનુસાર, લગ્નના જાનૈયાઓથી ભરેલી બસ હાઈ ટેન્શન વાયર સાથે અથડાવાને કારણે અકસ્માતનો ભોગ બની હતી. ગાઝીપુરના ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી છે અને રાહત કાર્યમાં લાગેલા છે ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મોતના અહેવાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *