ચેમ્પિયન્સ ટ્રોફી હાઈબ્રિડ મોડેલ પર યોજવી પડે એવો પીસીબીને ડર

Spread the love

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ મોહસિન નકવી બીસીસીઆઈના સેક્રેટરી પાસેથી તેમની ટીમને પાકિસ્તાન મોકલવાની ખાતરીની અપેક્ષા રાખી રહ્યા છે. જો કે, હાલમાં આ શક્યતા નથી

નવી દિલ્હી

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી લાંબા સમય બાદ આવતા વર્ષે રમાશે. જો કે તેના આયોજન સ્થળને લઈને અત્યારથી વિવાદ શરૂ થઈ ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ડર છે કે એશિયા કપ 2023ની જેમ આ ટુર્નામેન્ટ પણ હાઇબ્રિડ મોડલ હેઠળ યોજવી પડી શકે છે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ મોહસિન નકવી બીસીસીઆઈના સેક્રેટરી પાસેથી તેમની ટીમને પાકિસ્તાન મોકલવાની ખાતરીની અપેક્ષા રાખી રહ્યા છે. જો કે, હાલમાં આ શક્યતા નથી.

આઈસીસીના એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક આવતા અઠવાડિયે દુબઇમાં યોજાશે. પીસીબી અધ્યક્ષ નકવી બીસીસીઆઈ સેક્રેટરી સાથે આઈસીસીના ટોચના અધિકારીઓ સાથે વાત કરવાની યોજના બનાવી રહ્યા છે. પરંતુ વર્ષ 2025માં ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ટુર્નામેન્ટ માટે બીસીસીઆઈ પાકિસ્તાન જવા માટે તરત જ પ્રતિબદ્ધ નહીં થાય, કારણ કે તેમાં હજુ લગભગ એક વર્ષ બાકી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી એક આઈસીસી ટુર્નામેન્ટ છે અને અન્ય તમામ ક્રિકેટ રમનારા દેશો પાકિસ્તાનની મુલાકાત લેતા હોવાથી, બીસીસીઆઈ તેના દરવાજા સંપૂર્ણપણે બંધ કરશે નહીં, પરંતુ ટુર્નામેન્ટની શરૂઆતના ઓછામાં ઓછા થોડા અઠવાડિયા પહેલા ભારત સરકાર તરફથી ગ્રીન સિગ્નલ મળી જશે. ગયા વર્ષે ઉપયોગમાં લેવાયેલા ‘હાઇબ્રિડ મોડલ’નો ઉલ્લેખ કરતા પીસીબીના એક સૂત્રે કહ્યું કે, “પીસીબી માટે સૌથી મોટી ચિંતા એ છે કે શું ભારત તેની ટીમ પાકિસ્તાન મોકલશે અને ગયા વર્ષના એશિયા કપના મુદ્દાઓનું પુનરાવર્તન નહીં થાય.

મીડિયા અહેવાલોમાં બીસીસીઆઈના એક સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં રમવાનો નિર્ણય માત્ર ભારત સરકાર જ લઈ શકે છે. બીસીસીઆઈએ સરકારના આદેશનું પાલન કરવું પડશે. આ ઉપરાંત સરકાર પાસેથી પરવાનગી લેવી ખૂબ જ વહેલું છે અને જો તેમના નવા પ્રમુખ ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાનારી ટુર્નામેન્ટ માટે માર્ચ 2024માં કોઈપણ પ્રકારની ખાતરીની અપેક્ષા રાખતા હોય, તો તેઓ ગેરસમજમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *