કેકેઆર કેમ્પમાં બેટિંગ કરતી વખતે છગ્ગો ફટકાર્યો હતો, આ બોલ એક બાળકના માથા પર વાગ્યો
કોલકાતા
આઈપીએલ 2024 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના વિસ્ફોટક બેટર રિંકુ સિંહનો બેટિંગ પ્રેક્ટિસ કરતો એક વીડિયો સામે આવ્યો છે. પ્રેક્ટિસ દરમિયાન રિંકુએ એવો શોટ માર્યો કે બોલ સીધો જઈને એક બાળકના માથા પર વાગ્યો હતો. રિંકુના આ જોરદાર શોટથી બાળકને ઈજા થઇ હતી. રિંકુએ આઈપીએલની શરૂઆત પહેલા કેકેઆર કેમ્પમાં બેટિંગ કરતી વખતે છગ્ગો ફટકાર્યો હતો. આ બોલ એક બાળકના માથા પર વાગ્યો. આ પછી રિંકુ તે બાળકને મળ્યો અને તેની ખબર પૂછી અને તેને એક સુંદર ભેટ પણ આપી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. જેમાં રિંકુ તે બાળક પાસે જઈને માફી માંગતો જોવા મળ્યો હતો. રિંકુની સાથે કેકેઆરના બેટિંગ કોચ અભિષેક નાયર પણ હતા, જેમણે તે બાળકને કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ આપી હતી. આના પર રિંકુએ ઓટોગ્રાફ આપ્યો હતો.
આઈપીએલ 2023માં રિંકુ સિંહે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પછી તે ખૂબ જ લોકપ્રિય થઈ ગયો. આ કારણે તેને ભારતની મર્યાદિત ઓવરોની ટીમમાં સ્થાન મળ્યું. ભારતીય ક્રિકેટ ટીમમાં તેણે ફિનિશર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું. રિંકુએ ડેબ્યુ બાદ 15 મેચમાં 356 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 176.23 અને એવરેજ 89ની છે. તેણે 2 ફિફ્ટી ફટકારી છે.