યુએસમાં ઘૂસતા 3 ભારતીય સહિત ચાર જણાં ઝડપાઈ ગયા

Spread the love

ચાર શખ્સોની યુએસ ઓથોરિટીઝે કેનેડિયન બોર્ડર નજીક આવેલા અપસ્ટેટ ન્યૂયોર્કથી ધરપકડ કરાઈ, ડિપોર્ટ કરવમાં આવશે

નવી દિલ્હી 

અમેરિકામાં ઘૂસવાની ઘેલછા ભારતીયોમાં હંમેશાથી રહેલી છે. કાયદાકીય રીતે વિઝા લઈને તેઓ અમેરિકા જવાનો પ્રયાસ કરે છે પરંતુ જો તેમાં સફળતા ના મળે તો તેઓ ગેરકાયદેસર વિકલ્પ અપનાવતા પણ ખચકાતાં નથી. અમેરિકાની સધર્ન બોર્ડર પરથી ભારતીયો સહિત કેટલાય દેશોના નાગરિકો અમેરિકામાં ઘૂસણખોરી કરી ચૂક્યા છે. બુધવારે પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસી રહેલા ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ ભારતીયો સહિત કુલ ચાર શખ્સોની યુએસ ઓથોરિટીઝે કેનેડિયન બોર્ડર નજીક આવેલા અપસ્ટેટ ન્યૂયોર્કથી ધરપકડ કરી છે. બફેલોમાં આવેલા ઈન્ટરનેશનલ રેલબોર્ડ બ્રિજ પરથી પસાર થયેલી ટ્રેનમાંથી આ શખ્સો કૂદી પડ્યા હતા. જેથી યુએસ બોર્ડર પેટ્રોલે ચારેયની ધરપકડ કરી છે.

પકડાયેલા ચાર શખ્સોમાંથી એક મહિલા છે. જ્યારે એક શખ્સ ડોમિનિકન રિપબ્લિકનો નાગરિક છે. ઈજાગ્રસ્ત મહિલા અને બાકીના બંને પુરુષો ભારતીય નાગરિક છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, પોલીસની ટીમ આ શખ્સોની પાછળ પડી ત્યારે તેઓ ઘાયલ મહિલાને છોડીને ભાગી ગયા હતા. જોકે, બહુ દૂર સુધી જઈ શકે એ પહેલા જ પોલીસે તેમને પકડી લીધા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ચારેય જણાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહ્યા હતા.

યુએસ બોર્ડર પેટ્રોલે મીડિયાને જણાવ્યું કે, “ત્રણેય શખ્સોને બફેલો પોલીસ સ્ટેશન લઈ જવાયા છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન બોર્ડર પેટ્રોલ એજન્ટ્સને જાણવા મળ્યું કે, આ મહિલા અને બંને શખ્સો ભારતીય નાગરિક છે. જ્યારે ત્રીજો શખ્સ ડોમિનિકન રિપબ્લિકનો નાગરિક છે.”
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના ઓફિસરો તેમજ એરિ કાઉન્ટી શેરિફના ડેપ્યુટીઝે ઘાયલ મહિલાને પ્રાથમિક સારવાર આપી હતી. જે બાદ તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે ત્રણ પુરુષોને ડિપોર્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. હાલ તેમને બટેવિયા ફેડરલ ડિટેક્શન ફેસિલિટી ખાતે રાખવામાં આવ્યા છે. તેમની સામે ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની સેક્શન 212 અને 237 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે પકડાયેલી મહિલા હાલ તો હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.
આ ચારેયની ધરપકડ બાદ યુએસ બોર્ડર પેટ્રોલ બફેલો સેક્ટરના ચીફ પેટ્રોલ એજન્ટ થોમસ જી. માર્ટિને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “બોર્ડર પેટ્રોલ એજન્ટ્સ, સીબીપી ઓફિસરો અને પોલીસ સાથે મળીને વેસ્ટર્ન ન્યૂયોર્ક એરિયાની સુરક્ષા કરે છે.” ઉલ્લેખનીય છે કે, ગેરકાયદે ઈમિગ્રેશન અમેરિકામાં હાલ ચિંતાનો મુદ્દો બની રહ્યું છે. ચૂંટણી પહેલા જો બાઈડન અને ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ મુદ્દાને આગળ ધરીને એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *