ભાજપે અત્યાર સુધીમાં તેની બે યાદીઓમાં કુલ 267 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જો કે આ પૈકી 2 ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા
નવી દિલ્હી
લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની બીજી યાદીમાં બે રાજવી પરિવારના વંશજોના નામ પણ સામેલ છે. 72 ઉમેદવારોની આ યાદીમાં ત્રિપુરાની મહારાણી કૃતિ સિંહ દેબબર્મા અને ભૂતપૂર્વ મૈસૂર રાજવી પરિવારના વડા યદુવીર કૃષ્ણદત્ત ચામરાજ વાડિયારનું નામ પણ સામેલ છે. ભાજપે ત્રિપુરા પૂર્વ બેઠક પરથી કૃતિ સિંહ દેબબર્માને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વાડિયાર વંશના ‘રાજા’ મૈસૂર બેઠક પરથી ચૂંટણી લડશે.
ભાજપે અત્યાર સુધીમાં તેની બે યાદીઓમાં કુલ 267 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જો કે આ પૈકી 2 ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. હજુ સુધી પાર્ટીએ આ બંને ઉમેદવારોના સ્થાને અન્ય કોઈ નામની જાહેરાત કરી નથી. ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની બીજી યાદીમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી 20-20, ગુજરાતમાંથી 7, હરિયાણા અને તેલંગાણામાંથી 6-6, મધ્યપ્રદેશમાંથી 5, દિલ્હી, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ અને ત્રિપુરામાંથી 2-2 ઉમેદવારોના નામ છે. દાદર અને નગર હવેલીમાંથી 1-1 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.
મહારાણી કૃતિ સિંહ દેબબર્મા ટીપરા મોથા પાર્ટીના સ્થાપક અને ત્રિપુરા રાજવી પરિવારના વડા પ્રદ્યોત માણિક્ય દેબબર્માની મોટી બહેન છે. આગામી લોકસભાની ચૂંટણીમાં તે પ્રથમ વખત ચૂંટણી લડશે. જોકે તેમના માતા-પિતા રાજકારણમાં સક્રિય હતા અને કોંગ્રેસ પાર્ટીના સભ્ય હતા. તેમના પિતા કિરીટ બિક્રમ દેબબર્મા ત્રણ વખત સાંસદ હતા અને તેમની માતા બિભુ કુમારી દેવી બે વખત કોંગ્રેસના ધારાસભ્ય હતા અને ત્રિપુરાના મહેસૂલ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. કિરીટ દેબબર્મા ત્રિપુરાના છેલ્લા રાજા પણ હતા.
કિરીટ બિક્રમ કિશોર માણિક્યની સૌથી નાની પુત્રી કૃતિએ શિલોંગના લોરેટો કોન્વેન્ટમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ પછી તેમણે ગુજરાતમાં ડિપ્લોમા ઇન એન્વાયર્નમેન્ટલ એજ્યુકેશન એન્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ તેમજ સિનિયર મેનેજમેન્ટ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ કોર્સ કર્યો. તે 1992 થી 1994 સુધી શિલોંગમાં એનિમલ વેલફેર ઓફિસર હતા. તેમના લગ્ન છત્તીસગઢના પૂર્વ કવર્ધા રાજ શાહી પરિવારના વંશજ યોગેશ્વર રાજ સિંહ સાથે થયા હતા.
કૃતિ સિંહ દેબબર્મા તેમના ભાઈની પાર્ટીની સભ્ય છે, પરંતુ તે ભાજપમાંથી ચૂંટણી લડશે. ટિપરા મોથા તાજેતરમાં ત્રિપુરામાં ભાજપની આગેવાની હેઠળની સરકારમાં જોડાયા બાદ દેબબર્માની ઉમેદવારીની જાહેરાત કરાઈ છે. કૃતિ સિંહની બહેન કુમારી પ્રજ્ઞા દેબબર્માએ 2019ની લોકસભા ચૂંટણીમાં ત્રિપુરા પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી હતી.
ભાજપની બીજી યાદીમાં સામેલ બીજું નામ મૈસુરના રાજવી પરિવારના યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયારનું છે. 32 વર્ષીય યદુવીર જયરામચંદ્ર વાડિયારના પૌત્ર છે. જયરામચંદ્ર વાડિયાર મૈસુરના 25મા અને છેલ્લા રાજા હતા. યદુવીર તેમના કાકા અને વાડિયાર વંશના 26મા રાજા શ્રીકાંતદત્ત નરસિંહરાજા વાડિયારના રાજકીય વારસાને આગળ વધારશે. શ્રીકાંતદત્ત નરસિંહરાજા વાડિયાર ચાર વખત મૈસૂરથી સાંસદ રહી ચૂક્યા છે. યદુવીરને 2015 માં ભૂતપૂર્વ મૈસૂર શાહી પરિવારના વડા તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ પછી તે વાડિયાર વંશના 27મા ‘રાજા’ બન્યા.
યદુવીરને તેમના પતિ શ્રીકાંતદત્ત વાડિયારના મૃત્યુ પછી પ્રમોદા દેવી વાડિયારે દત્તક લીધા હતા. યદુવીરનું પ્રારંભિક શિક્ષણ બેંગ્લોરની વિદ્યાનિકેતન સ્કૂલમાં થયું હતું. આ પછી તેણે અમેરિકાની મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેમણે અંગ્રેજી સાહિત્ય અને અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી છે. તેઓ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપે તેમને મૈસૂર બેઠક પરથી ટિકિટ આપી છે, જ્યાં રાજવી પરિવારનો નોંધપાત્ર પ્રભાવ છે.