ચીન આર્મીના યુધ્ધાભ્યાસમાં જમીન પરથી હવામાં માર કરી શકતી અત્યાધુનિક મિસાઈલ ટેકનોલોજીને પ્રદર્શીત કરવામાં આવી
બિજિંગ
ભારતે અગ્નિ-5 મિસાઈલના કરેલા સફળ પરિક્ષણ બાદ લદ્દાખ બોર્ડર પર વધુ 10000 સૈનિકોને તૈનાત કર્યા બાદ ચીન બેબાકળુ બની ગયુ છે.
ભારતને જવાબ આપવાના નામે ચીને ભારતની બોર્ડર નજીક લાઈવ ફાયર એક્સરસાઈઝ કરી છે. ચીનના સરકારી મીડિયાએ પોતાના અહેવાલમાં કહ્યુ છે કે, આ યુધ્ધ કવાયતમાં ચીનની સેનાની મહિલાઓની ટુકડીએ ભાગ લીધો હતો. આ ટુકડી એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ બેટરી ઓપરેટ કરે છે. તેમણે પહેલી વખત 4300 મીટરની ઉંચાઈ પર આવેલા કારાકોરમ વિસ્તારમાં સબસોનિક ટાર્ગેટ પર લાઈવ પ્રેક્ટિસ કરીને આ ટાર્ગેટને સફળતાપૂર્વક તોડી પાડ્યુ હતુ.
ચીની મીડિયાના દાવા અનુસાર આર્મીના યુધ્ધાભ્યાસમાં જમીન પરથી હવામાં માર કરી શકતી અત્યાધુનિક મિસાઈલ ટેકનોલોજીને પ્રદર્શીત કરવામાં આવી હતી. ચીનના સોશિયલ મીડિયા પર પણ તેનો વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેને 5.14 લાખ વ્યૂઝ મળ્યા હતા.
ભારતે તાજેતરમાં જ લદ્દાખ સીમા પર 10000 સૈનિકોની તૈનાતી કરી છે અને તેના પર ચીને પ્રત્યાઘાત આપતા કહ્યુ હતુ કે, અમને આશા છે કે ભારત અમારી સાથે એક સમાન દિશામાં કામ કરી રહ્યુ છે અને ચીન સાથેના સબંધોને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જુએ છે. ચીન અને ભારતે પરસ્પર વિશ્વાસ વધારવાની અને ગેરસમજથી બચવાની જરૂર છે.