પાકિસ્તાન તો અમારા માટે કોઈ મહત્વ જ નથી રાખતુ, તાલિબાનના લડાકુઓ અને ટીટીપી મળીને પાકિસ્તાનની ધર્મ વિરોધી સેના સામે લડશે અને તેમને પરાજીત કરશે
કાબુલ
સરહદ પર પાકિસ્તાન સાથે ચાલી રહેલી સૈન્ય અથડામણો વચ્ચે અફઘાનિસ્તાનના તાલિબાની શાસકોએ પાકિસ્તાનના સેના પ્રમુખને ખુલ્લેઆમ ધમકી આપી છે.
અફઘાનિસ્તાનના પંજશીર વિસ્તારના તાલિબાન કમાન્ડર અબ્દુલ હમીદ ખુરાસાનીએ કહ્યુ છે કે, પાકિસ્તાન જો અમારી સાથે પંગો લેશે તો તેને હારનો સામનો કરવો પડશે તે નિશ્ચિત છે. અમે એક સમયના સોવિયેત યુનિયન અને અમેરિકા સાથે વર્ષો સુધી લડાઈ લડી છે. આ બંને દેશો તો દુનિયાના સુપર પાવર કહેવાય છે. અમે જો તેમને ધૂળ ચટાડીને પાછા મોકલી આપ્યા હોય તો પાકિસ્તાનની તો અમારી સાથે મુકાબલો કરવાની કોઈ હેસિયત જ નથી.
ખુરાસાનીએ એક વિડિયોમાં કહ્યુ હતુ કે, પાકિસ્તાનની સરકાર તેમજ સેનાને મારો સંદેશ છે. આસિમ મુનીર, આસિફ જરદારી, શાહબાઝ શરીફ સાંભળો કે અફઘાનોએ તો રશિયા, બ્રિટન અને અમેરિકાને કરારી શિકસ્ત આપી છે. પાકિસ્તાન તો અમારા માટે કોઈ મહત્વ જ નથી રાખતુ. તાલિબાનના લડાકુઓ અને ટીટીપી મળીને પાકિસ્તાનની ધર્મ વિરોધી સેના સામે લડશે અને તેમને પરાજીત કરશે.
ખુરાસાની પાકિસ્તાન પર ભડકયા છે તેનુ કારણ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના મંત્રી જન અચકજાઈનુ નિવેદન છે. અચકજાઈએ કહ્યુ હતુ કે, જો પાકિસ્તાનને અફઘાનિસ્તાનના આતંકી હુમલાનો સામનો કરવો પડશે તો અફઘાનિસ્તાનના બોર્ડર વિસ્તારો પર કાર્યવાહી કરવામાં આવશે અને તેને જીતી લેવામાં આવશે.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે એમ પણ ટકરાવ ચાલી રહયો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક બાદ તાલિબાન દ્વારા બોર્ડર વિસ્તારમાં પાક સેનાની એક પોસ્ટને ધ્વસ્ત કરી દેવાઈ હતી. પાકિસ્તાનનુ કહેવુ છે કે, અમારા દેશમાં આવીને હુમલા કરતા ટીટીપીના આતંકીઓને અફઘાનિસ્તાન શરણ આપી રહ્યુ છે.