સેનાના જવાનો પણ જીવતો ગ્રેનેડ જોઈને હેરાન થઈ ગયા કારણકે ગ્રેનેડ 30 વર્ષ જૂનો હતો અને આ ગ્રેનેડ જીવંત હોવાથી તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા
ઓટાવા
કેનેડાના ક્યૂબેક પ્રાંતમાં એક મહિલાએ પિતાનુ નિધન બાદ તેમનુ લાકડાનુ બોકસ ખોલતા જ અફરા તફરી મચી ગઈ હતી
આ બોક્સમાંથી એવી વસ્તુ નીકળી હતી કે તાત્કાલિક સેનાની એક ટુકડીને બોલાવવાની ફરજ પડી હતી. આખી ઘટનાની વિગતો એવી છે કે, ક્યૂબેકમાં રહેતી મહિલા કેડ્રિન સિમ્સ બ્રોચમેનના પિતાનુ ગત ઓક્ટોબરમાં મૃત્યુ થયુ હતુ. એ પછી કેડ્રિન એક દિવસ ઘરમાં સાફ સફાઈ કરી રહી હતી ત્યારે તેને પોતાના પિતાનુ લાકડાનુ એક બોકસ નજરે પડ્યુ હતુ.
તેને લાગ્યુ હતુ કે, બોક્સમાં કદાચ પિતા સાથે જોડાયેલી વસ્તુઓ હશે. બોક્સ ખોલતાની સાથે જ તેને આંચકો લાગ્યો હતો. કારણકે તેમાં એક ગ્રેનેડ હતો અને તે પણ એક્ટિવ ગ્રેનેડ હતો. તેણે તરત જ પોલીસને જાણ કરી હતી.
જોકે પોલીસ અધિકારીએ પણ ગ્રેનેડને હાથ લગાડવાનુ મુનાસિબ સમજ્યુ નહોતુ. તેણે સેનાની એક ટુકડીને બોલાવી હતી. સેનાના જવાનો પણ જીવતો ગ્રેનેડ જોઈને હેરાન થઈ ગયા હતા. કારણકે ગ્રેનેડ 30 વર્ષ જૂનો હતો અને આ ગ્રેનેડ જીવંત હોવાથી તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા.
આ ગ્રેનેડની સેફટી પીન હટાવાય અથવા અકસ્માતે હટી જાય તો વિસ્ફોટ થવાની પૂરી સંભાવના હતી. એ પછી સેનાની ટુકડી ગ્રેનેડ પોતાની સાથે લઈ ગઈ હતી.
કેડ્રિને કહ્યુ હતુ કે, 30 વર્ષ પહેલા મારા દાદાના ઘરેથી મારા પિતા ફ્રેન્ક કદાચ આ ગ્રેનેડ લાવ્યા હતા. તે સમયે પરિવારે તેમને ગ્રેનેડ ફેંકી દેવા સમજાવ્યા હતા અને એ પછી અમે ગ્રેનેડ ઘરમાં જોયો નહોતો અને માની લીધુ હતુ કે, તેમણે આ ગ્રેનેડનો નિકાલ કરી દીધો હશે પણ તેમણે લાકડાના બોક્સમાં આ ગ્રેનેડ મુકી દીધી હતો. એ પછી અમે ઘણી વખત ઘર બદલ્યુ હતુ. લાકડાનુ આ બોક્સ પણ અમે સાથે જ રાખ્યુ હતુ પણ ક્યારેય અમને એવો અહેસાસ નહોતો થયો કે બોક્સમાં આટલી ખતરનાક વસ્તુ હશે. આ ગ્રેનેડ અમારી જિંદગી માટે પણ જોખમ ઉભુ કરી શક્યો હોત. કારણકે આટલા વર્ષથી તે ઘરમાં જ હતો.