સરકારે સ્વીકાર્યુ હતું કે, ભારતીય શિક્ષકોએ માલદીવ છોડી દીધું છે પણ તેના માટે ઈન્ડિયા આઉટ..અભિયાન જવાબદાર હોવાનો ઈનકાર કર્યો
માલે
ચીનના રવાડે ચઢીને ભારત વિરોધી વલણ અપનાવી રહેલા માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જૂના કારણે માલદીવની જનતા હેરાન થઈ રહી છે.
ભારત સામે સતત નફરત ફેલાવી રહેલી મોઈજ્જૂ સરકારના કારણે સંખ્યાબંધ ભારતીય શિક્ષકોએ માલદીવ છોડી દીધુ છે અને તેના કારણે હવે ઘણી સ્કૂલો શિક્ષકોની અછતનો સામનો કરી રહી છે. આ મુદ્દો માલદીવની સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો છે અને મોઈજ્જૂ સરકારને સ્પષ્ટતા કરવી પડી છે.
માલદીવના મીડિયા રિપોર્ટ પ્રમાણે માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ મોહમ્મદ શાહિદે સંસદમાં સરકારને સવાલ પૂછ્યો હતો કે, રાષ્ટ્રપતિ મોઈજ્જૂના ઈન્ડિયા આઉટ અભિયાનના કારણે ઘણા ભારતીય શિક્ષકો દેશ છોડીને જતા રહ્યા છે અને તેના કારણે દેશમાં શિક્ષકોની કમી ઉભી થઈ છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ પ્રભાવિત થઈ રહ્યો છે ત્યારે સરકાર આ પ્રકારના સંજોગોને પહોંચી વળવા માટે શું કાર્યવાહી કરી રહી છે?
સરકારે તેના જવાબમાં સ્વીકાર્યુ હતુ કે, ભારતીય શિક્ષકોએ માલદીવ છોડી દીધુ છે પણ તેના માટે ઈન્ડિયા આઉટ..અભિયાન જવાબદાર હોવાનો ઈનકાર કર્યો હતો. માલદીવના શિક્ષણ મંત્રી ડો. ઈસ્માઈલ શફીકૂએ ભારતીય શિક્ષકો માલદીવ છોડીને રવાના થયા હોવાથી શિક્ષણ પર કોઈ સંકટ હોવાનો ઈનકાર કર્યો હતો.
તેમણે કહ્યુ હતુ કે, કોઈ શિક્ષક નોકરી છોડી દે છે તો કેટલાક દિવસો સુધી પડકારજનક સ્થિતિ રહેતી હોય છે. એમ પણ છેલ્લા 30 વર્ષના આંકડા જોવામાં આવે તો માલદીવમાં આવનારા વિદેશી શિક્ષકો જલ્દી પોતાના દેશ પાછા જતા રહેતા હોય છે. માલદીવની સ્કૂલોમાં શિક્ષણ પર કોઈ અસર પડી રહી નથી.