તેના સામાનમાંથી વાંદરાનો હાથ, મરેલી ચકલી, કપડામાં લપેટાયેલા ઈંડા જેવી વસ્તુઓ, તાવીજ, કાગળ પર લખેલા મંત્ર સહિતની વસ્તુઓ પણ કસ્ટમ અધિકારીઓએ કબ્જે કરી
દુબઈ
દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મુસાફરના સામાનમાંથી એવી વસ્તુઓ મળી હતી કે, કસ્ટમ અને ઈમિગ્રેશન અધિકારીઓ પણ હેરાન થઈ ગયા હતા.
દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક દુબઈ એરપોર્ટ પર રોજ લાખો મુસાફરોની અવર જવર રહેતી હોય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે દુબઈ કસ્ટમના અધિકારીઓએ આફ્રિકાથી આવેલા એક મુસાફરની શંકાસ્પદ હિલચાલ જોઈને તેના સામાનની તલાશી લીધી હતી. જેમાં આ મુસાફર પાસેથી એક જીવતો સાપ મળી આવ્યો હતો. તેની સાથે સાથે તેના સામાનમાંથી વાંદરાનો હાથ, મરેલી ચકલી, કપડામાં લપેટાયેલા ઈંડા જેવી વસ્તુઓ પણ મળી આવી હતી. સામાનમાંથી તાવીજ, કાગળ પર લખેલા મંત્ર સહિતની વસ્તુઓ પણ કસ્ટમ અધિકારીઓએ કબ્જે કરી હતી. એવુ મનાય છે કે, આ તમામ વસ્તુઓ કાળા જાદૂ માટે ઉપયોગમાં લેવાતી હોય છે. હવે આ વસ્તુઓની વધુ તપાસ કરવા માટે દુબઈમાં ઈસ્લામિક બાબતોની કામગીરી સંભાળતા મંત્રાલયને જવાબદારી સોંપવામાં આવી છે.
યુએઈના કાયદા પ્રમાણે યુએઈમાં જાદૂ ટોણા કે કાળો જાદૂ કરવો ગુનો મનાય છે. આ માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પણ દેશમાં લાવી શકાતી નથી અને જો કોઈ મુસાફર પકડાય તો તેને જેલની સજા કે દંડ થઈ શકે છે.
જોકે દુબઈ એરપોર્ટ પર આ પ્રકારની વસ્તુઓ પહેલા પણ પકડાતી રહી છે. કસ્ટમ વિભાગના કહેવા પ્રમાણે 2018થી 2020ની વચ્ચે દુબઈ એરપોર્ટ પર 68 કિલોથી વધારે વજનની વિવિધ વસ્તુઓ પકડવામાં આવી હતી જે કાળા જાદૂ માટે ઉપયોગમાં લેવાના હતી. જેમાં માછલીના હાડપિંજર, જાદૂ ટોણા માટેના પુસ્તકો, અંગૂઠીઓ, નખ, હાડકા તેમજ લોહીથી ખરડાયેલી બેગોનો સમાવેશ થતો હતો.