ટીપીએલની સાતમી સિઝન પ્રથમ વખત મહારાષ્ટ્રની બહાર અમદાવાદમાં યોજાશે
અમદાવાદ
ક્લિયર પ્રીમિયમ વોટર્સ ટેનિસ પ્રીમિયર લીગ (TPL) ની સાતમી સીઝન 9 થી 14 ડિસેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે યોજાશે. TPL પ્રથમ વખત મહારાષ્ટ્રની બહાર યોજાઈ રહી છે. અમદાવાદમાં યોજાનારી સ્પર્ધામાં 50 ટોચના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની સાથે ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓ વચ્ચેનો રોમાંચક મુકાબલો જોવા મળશે.
આઠ ફ્રેન્ચાઈઝી ચાર રાઉન્ડની ફોર્મેટમાં રમશે
TPLના ઝડપી, ચાર રાઉન્ડના ફોર્મેટમાં આઠ ફ્રેન્ચાઇઝી ભાગ લેશે, જેમાં મહિલા સિંગલ્સ, મિક્સ ડબલ્સ, મેન્સ સિંગલ્સ અને મેન્સ ડબલ્સનો સમાવેશ થાય છે, અને દરેક રાઉન્ડમાં 25 પોઈન્ટ હશે. દરેક ટીમ 9 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી પાંચ લીગ મેચ રમશે, જેમાં ટોચની ચાર ટીમો 14 ડિસેમ્બરે આયોજીત સેમિફાઇનલ અને ફાઇનલમાં પહોંચશે.
રોહન બોપન્ના સહિતના સ્ટાર ખેલાડીઓ એક્શનમાં
સીઝન 7માં ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોહન બોપન્ના, વિશ્વ નંબર 26 લુસિયાનો દરડેરી અને બ્રિટનના ટોચના ટેનિસ સ્ટાર ડેન ઇવાન્સ સહિત ઘણા સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે. શ્રીવલ્લી ભામિદિપતિ અને સહજા યમલાપલ્લી જેવી ભારતીય પ્રતિભાઓ પણ આ સ્પર્ધાને રોમાંચક બનાવશે. SG પાઇપર્સ બેંગલુરુના ખેલાડી રોહન બોપન્નાએ કહ્યું, “પચીસ ગેમ પોઈન્ટ મેચને ઝડપી અને રોમાંચક બનાવે છે, અને હવે જ્યારે હું નિવૃત્ત થઈ ગયો છું, ત્યારે આ ફોર્મેટ મારા માટે યોગ્ય છે.”
રાજસ્થાન રેન્જર્સનું પ્રતિનિધિત્વ કરતા લુસિયાનો દરડેરીએ કહ્યું, “હું પહેલી વાર ટેનિસ પ્રીમિયર લીગનો ભાગ બનવા અને રાજસ્થાન રેન્જર્સનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્સાહિત છું. હું ટીમમાં યોગદાન આપવા અને અમદાવાદના વાતાવરણનો આનંદ માણવા આતુર છું.”
ગુડગાંવ ગ્રાન્ડ સ્લેમર્સનું પ્રતિનિધિત્વ કરતા ડેન ઇવાન્સે કહ્યું, “ભારતમાં પહેલી વાર આવવાનો અનુભવ ખૂબ જ સારો છે. મને હંમેશા ભારતમાં રમવાનો આનંદ આવ્યો છે, અને હું જાણું છું કે ચાહકો કેટલા ઉત્સાહી છે.
ટેનિસ પ્રીમિયર લીગ સીઝન 7 નું 9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ચાહકો સોની સ્પોર્ટ્સ નેટવર્ક અને જિયોહોટસ્ટાર પર એક્શન જોઈ શકે છે.
