ખેલાડીઓને રમતમાં નીચલા સ્તરેથી સારા પુરસ્કાર વધે તો રમતમાં વધુ મેડલ વિનર્સ મળી શકે એમ છે

નરેન્દ્ર આઈ. પંચોલી
અમદાવાદ
દેશમાં યોજાતી ટેનિસ પ્રિમિયર લીગ્સથી ઊભરતા ખેલાડીઓને તેમની પ્રતિભા દેખાડવાની સારી તક મળે છે અને આર્થિક રીતે પણ લાભ થતો હોઈ ખેલાડીઓ માટે આ સ્પર્ધા આકર્ષણનું કેન્દ્ર બની છે અને આવનારા સમયમાં તેમાં લોકપ્રિયતાની સાથે આર્થિક રીતે પણ વધુ લાભ થશે તો દેશમાં અનેક મેડલ વિનર્સ ખેલાડીઓ તૈયાર કરવામાં આવી સ્પર્ધા મહત્વની ભૂમિકા ભજવશે, એમ ટેનિસ પ્રિમિયર લીગના સ્થાપક કૃણાલ ઠાકુરે ખાસ વાતચીત દરમિયાન કહ્યું હતું.
અમદાવાદમાં 9થી 14 ડિસેમ્બર દરમિયાન યોજાનારી ટીપીએલમાં પોઈન્ટ પદ્ધતિને ટાંકતા ઠાકુરે જમાવ્યું હતું કે ક્રિકેટમાં જેમ ટી20 અને ટેસ્ટ હોય છે એમ ટીપીએલમાં પોઈન્ટ પદ્ધતીથી રમત વધુ રોમાંચક બનશે. સેટ વિજયથી પરિણામોની સરખામણીએ આ રમત લોકોને વધુ પસંદ આવી રહી છે. એટલું જ નહીં પોઈન્ટ સિસ્ટમને લીધે દરેક ખેલાડી એક-એક પોઈન્ટ માટે ઝઝૂમતો જોવા મળશે. ખેલાડીઓને દરેક પોઈન્ટનું મહત્વ ખબર હશે તેથી તે જોરદાર મુકાબલા માટે તત્પર રહેશે.
ટીપીએલથી મેડલ વિનર્સની સફર કઈ રીતે સરળ બની શકે એવા પ્રશ્નના ઉત્તરમાં ઠાકુરે જણાવ્યું કે રમત વધુ રોમાંચક વધતા સ્વભાવિક છે કે માત્ર ખેલાડીઓ જ નહીં દર્શકો પણ રમત પ્રત્યે આકર્ષાય એવી આશા છે. આ સ્થિતિમાં રમત માટે સૌથી મહત્વપૂર્ણ આર્થિક પાસાને ટેકો મળી શકે છે. વધુ સ્પોન્સર્સ આગળ આવે તો ખેલાડીઓ-વિજેતાઓને પુરસ્કાર વધુ મળે તો ખેલાડીઓ વધુ સારો દેખાવ કરવા પ્રેરાઈ શકે છે. ઠાકુરે ઉદાહરણ ટાંકતા કહ્યું કે હાલમાં ટેનિસમાં નેશનલ લેવલે રમવા પર વર્ષે માંડ એકાદ લાખ રુપિયા મળે છે જે રકમ સમગ્ર વર્ષના રમતના સાધનો અને તાલીમ માટે ખૂબજ ઓછી છે. આ સ્થિતિમાં ટીપીએલ જેવી સ્પર્ધાઓથી ખેલાડીઓને રમતમાં આર્થિક પીઠબળ દેખાશે તો તેઓ રમતમાં વધુ રસ લેતા શઈ શકે છે.
