‘ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતાના સિદ્ધાંતો લોકશાહીનો પાયાનો છે હોવાનો ભારતમાંના અમેરિકન રાજદૂતનો અભિપ્રાય
વોશિંગ્ટન
ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) લાગુ કરવાનું નોટિફિકેશન જાહેર થયા બાદ હવે તે દેશભરમાં લાગુ થઈ ગયો છે. દેશમાં વિપક્ષો સીએએનો વિરોધ કરી રહ્યા છે ત્યારે અમેરિકા પણ સીએએ પર પ્રતિક્રિયા આપી રહ્યું છે. ભારતમાં અમેરિકન રાજદૂતે પણ શુક્રવારે નિવેદન આપીને પ્રતિક્રિયા આપી હતી. અગાઉ અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યુ મિલરે પણ પ્રતિક્રિયા આપી હતી.
અમેરિકાએ ભારતમાં નાગરિકતા સંશોધન કાયદા સામે જોરદાર વિરોધ નોંધાવ્યો છે. હવે ભારતમાં અમેરિકન રાજદૂત એરિક ગારસેટીએ પણ શુક્રવારે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘તેમનો દેશ તેના સિદ્ધાંતોને છોડી શકતો નથી.’ અમેરિકન રાજદૂતે વધુમાં કહ્યું હતું કે ‘ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતાના સિદ્ધાંતો લોકશાહીનો પાયાનો છે.’ ગારસેટીએ વધુમાં ઉમેર્યું હતું કે, ‘અમારી લોકશાહી સંપૂર્ણ નથી, તેથી અમે તમને તે જ કરવા માટે આમંત્રિત કરીએ છીએ. આ એક તરફી નથી.’ એરિક ગારસેટીની પ્રતિક્રિયા એવા દિવસે આવી છે જ્યારે વિદેશ વિભાગે સીએએ પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જેઓ ભારતની બહુલવાદી પરંપરાઓને સમજી શકતા નથી તેઓ જ્ઞાન આપવાનો પ્રયાસ ન કરે તો વધુ સારું રહેશે.
અગાઉ અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યુ મિલરે કહ્યું કે, ભારતે 11 માર્ચના રોજ નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન જાહેર કર્યું જે અંગે અમે ચિંતિત છીએ. અમે તેના પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છીએ કે, આ કાયદાને કઈ રીતે લાગુ કરવામાં આવશે. ધાર્મિક સ્વતંત્રતાનું સમ્માન અને કાયદા હેઠળ તમામ સમુદાય સાથે સમાન વ્યવહાર મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંત છે.