સુપ્રીમે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરતા મસ્જિદ કમિટીને અલ્હાબાદ હાઈકોર્ટમાં જવા માટે કહ્યું
નવી દિલ્હી
મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટે આજે મસ્જિદ કમિટીની અરજી ફગાવી દીધી છે. મસ્જિદ કમિટીએ વિવાદ સાથે સબંધિત 15 કેસોને એક સાથે જોડીને સુનાવણી કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ વિષય કોર્ટમાં જ રાખો. ઉત્તર પ્રદેશના મથુરામાં બનેલી શાહી ઈદગાહ મસ્જિદ અંગેનો વિવાદ ખૂબ જૂનો છે જેના પર હાઈકોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે.
જો કે, અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે, તમામ કેસોને મથુરા જિલ્લા કોર્ટમાંથી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા વિરુદ્ધ મસ્જિદ પક્ષની અરજી હજુ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. મસ્જિદ કમિટીની એ અરજીની સુનાવણી એપ્રિલમાં થશે. આજનો કેસ 18માંથી 15 કેસને એકસાથે જોડવા વિરુદ્ધનો હતો. સુપ્રીમ કોર્ટે તેમાં હસ્તક્ષેપ નથી કર્યો. કોર્ટમાં આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરતા મસ્જિદ કમિટીને અલ્હાબાદ હાઈકોર્ટમાં જવા માટે કહ્યું છે.
હિંદુ પક્ષ તરફથી હાજર રહેલા વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, સુપ્રીમ કોર્ટે શાહી ઈદગાહ મસ્જિદને પોતાનો કેસ અલ્હાબાદ હાઈકોર્ટમાં રજૂ કરવા માટે કહ્યું છે. હાઈકોર્ટે કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત 15 કેસને એકસાથે સુનાવણી માટે જોડી દીધા છે. તેમણે કહ્યું કે, આજે શાહી ઈદગાહ મસ્જિદ કમિટી એ આદેશ વિરુદ્ધ જ સુપ્રીમ કોર્ટમાં આવી હતી.
વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે પહેલા જ અલ્હાબાદ હાઈકોર્ટના એકત્રીકરણના આદેશ વિરુદ્ધ રિકોલ અરજી દાખલ કરી ચૂક્યા છો, તેથી પહેલા રિકોલ અરજી પર નિર્ણય આવી જાય ત્યારબાદ તમે સુપ્રીમ કોર્ટમાં આવી શકો છો.
હિન્દુ પક્ષનો દાવો છે કે, ઉત્તર પ્રદેશના મથુરામાં બનેલી શાહી ઈદગાહ મસ્જિદને શ્રીકૃષ્ણ જન્મભૂમિ ઉપર બનાવવામાં આવી છે. 2022માં આ જગ્યાને શ્રીકૃષ્ણ જન્મભૂમિ જાહેર કરવાની માગ વાળી અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.
હિન્દુ પક્ષનું કહેવું છે કે, ઓરછાના રાજા વીર સિંહ બુંદેલાએ સન 1618માં અહીં મંદિર બનાવ્યું હતું. જો કે, મુઘલ સમ્રાટ ઔરંગઝેબના આદેશ પર મંદિરને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યુ હતું અને 1670માં અહીં શાહી ઈદગાહ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. બીજી તરફ શાહી ઈદગાહ મસ્જિદના સમર્થકોનું કહેવું છે કે મસ્જિદ વિવાદિત જગ્યા પર બનાવવામાં નથી આવી.