28 વર્ષીય વુડ 50 લાખ રૂપિયાની કિંમતે મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાશે
મુંબઈ
પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ઓસ્ટ્રેલિયાના ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર જેસન બેહરેનડોર્ફની જગ્યાએ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર લ્યુક વૂડને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના એક નિવેદન અનુસાર, 28 વર્ષીય વુડ 50 લાખ રૂપિયાની કિંમતે મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાશે. નિવેદન અનુસાર, ‘મુંબઈ ઈન્ડિયન્સે આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ઈજાગ્રસ્ત જેસન બેહરેનડોર્ફની જગ્યાએ લ્યુક વુડને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.’ વૂડે ઈંગ્લેન્ડ માટે પાંચ ટી20 ઈન્ટરનેશનલ મેચ અને બે વન-ડે રમી છે. ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે આઠ વિકેટ છે.કુલ મળીને વુડે 140 ટી20 મેચમાં 147 વિકેટ લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો, 5 વખતની ચેમ્પિયન ટીમની પ્રથમ મેચ 24 માર્ચ, રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે થશે.
ડાબા હાથના ઝડપી બોલર લ્યુક વૂડે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ 2024)માં તેની ટીમ પેશાવર ઝાલ્મી માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બેટ્સમેન માટે, બોલને રિવર્સ સ્વિંગ કરવાની તેમની ક્ષમતા શ્રેષ્ઠ બેટ્સમેનોને પણ આશ્ચર્યચકિત કરે છે. વિવિધ પરિસ્થિતિઓમાં અનુકૂલન કરવાની અને પીએસએલ જેવી ટૂર્નામેન્ટમાં સતત સારું પ્રદર્શન કરવાની તેની ક્ષમતા તેની પ્રતિભા અને નિશ્ચય દર્શાવે છે. ઈંગ્લેન્ડનો 28 વર્ષનો લ્યુક વુડ પહેલીવાર આઈપીએલમાં રમતા જોવા મળશે. તે સતત 140 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. વુડ રૂ. 50 લાખની બેઝ પ્રાઈઝ પર ટીમ સાથે જોડાશે.
પાકિસ્તાનમાં કમાલ કર્યા બાદ હવે લ્યુક વુડ ભારતમાં પણ આ જ કારનામું બતાવવા આવી રહ્યો છે. બે દિવસ પહેલા જ લ્યુક વૂડ પાકિસ્તાન સુપર લીગમાં બાબર આઝમની કપ્તાની પેશાવર ઝાલ્મી ટીમ તરફથી રમી રહ્યો હતો. અહીં તેણે 11 મેચમાં 12 વિકેટ લીધી હતી અને તે પોતાની ટીમનો સૌથી સફળ બોલર હતો. જોકે, તે ટીમને ફાઇનલમાં લઈ જઈ શક્યો ન હતો અને ટીમ એલિમિનેટરમાં હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.