બલ્ગેરિયાના રાષ્ટ્રપતિ રુમેન રાદેવે ભારતીય નૌસેનાને હિંમતભર્યા ઓપરેશન બદલ અભિનંદન આપવાની સાથે સાથે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો
નવી દિલ્હી
40 કલાકના ઓપરેશન બાદ સોમાલિયાના ચાંચિયાઓએ હાઈજેક કરેલા વેપારી જહાજ એમ વી રુએનને ભારતીય નૌસેનાએ આઝાદ કરાવ્યુ હતુ અને સાથે સાથે તેના ક્રુ મેમ્બરોને પણ ચાંચિયાઓના પંજામાંથી મુક્ત કરાવ્યા હતા.
નૌસેનાની જાંબાઝીની આખી દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. જહાજ પરના ક્રુ મેમ્બરોમાં સાત લોકો યુરોપિયન દેશ બલ્ગેરિયાના નાગરિકો હતા. તેમને નૌસેનાએ છોડાવ્યા બાદ બલ્ગેરિયાના નેતાઓ ભારતનો આભાર માનતા થાકી રહ્યા નથી.
બલ્ગેરિયાના રાષ્ટ્રપતિ રુમેન રાદેવે ભારતીય નૌસેનાને હિંમતભર્યા ઓપરેશન બદલ અભિનંદન આપવાની સાથે સાથે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
આ જહાજ પણ બલ્ગેરિયાઈ કંપનીનુ છે અને તેના માલિક નવીબુલગરે પણ કહ્યુ હતુ કે, એમ વી રુએનની મુક્તિ અમારા માટે જ નહીં પણ વૈશ્વિક સમુદાય માટે પણ એક મોટી સફળતા છે.
આ પહેલા બલ્ગેરિયાના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર તેમજ વિદેશ મંત્રી મારિયા ગેબ્રિયલે પણ ભારતીય નૌસેનાની પ્રશંસા કરીને ભારતનો આભાર માન્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટના જવાબમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પણ વળતો જવાબ આપતા કહ્યુ હતુ કે, મિત્રો આ માટે જ તો હોય છે….
ઉલ્લેખનીય છે કે, જહાજને મુક્ત કરાવવાના અભિયાનમાં ભારતીય નૌસેનાએ પોતાના પી-8 જાસૂસી વિમાન, મારકણા યુધ્ધ જહાજો આઈએનએસ કોલકાતા અને આઈએનએસ સુભદ્રા તેમજ ડ્રોન વિમાનોને કામે લગાડ્યા હતા. સાથે સાથે માર્કોસ કમાન્ડોને સી-17 વિમાનમાંથી એર ડ્રોપ કરીને ઓપરેશનમાં ઉતારવામાં આવ્યા હતા. લગભગ 40 કલાક સુધી આ ઓપરેશન ચાલ્યુ હતુ.