શોભા કરંદલાજે એવો દાવો કર્યો હતો કે વિસ્ફોટનો આરોપી તમિલનાડુનો રહેવાસી જેમને તામિલનાડુના કૃષ્ણાગિરી જંગલોમાં તાલીમ આપવામાં આવી હતી

બેંગલુરૂ
બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસના આરોપી અંગે કેન્દ્રીય પ્રધાન શોભા કરંદલાજે આપેલા નિવેદન બાદ વિવાદ ઉભો થયો હતો, હવે તેમણે પોતાની ટિપ્પણી બદલ માફી માંગી છે. શોભા કરંદલાજે એવો દાવો કર્યો હતો કે વિસ્ફોટનો આરોપી તમિલનાડુનો રહેવાસી છે. તેમણે એવો દાવો કર્યો હતો કે બોમ્બ વિસ્ફોટના આરોપીઓને તામિલનાડુના કૃષ્ણાગિરી જંગલોમાં તાલીમ આપવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર શેર થઇ રહેલા વીડિયોમાં માર્ચ 1 ના રોજ બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં થયેલા બોમ્બ વિસ્ફોટનો ઉલ્લેખ કરીને શોભા કરંદલાજે એવું કહી રહ્યા છે કે, “તમિલનાડુના લોકો અહીં આવે છે, ત્યાં તાલીમ મેળવે છે અને અહીં બોમ્બ પ્લાન્ટ કરે છે. તેમાંથી કોઈએ કેફેમાં બોમ્બ મૂક્યો હતો.”
એક્સ પર કરંદલાજેના વાયરલ વીડિયોને રીપોસ્ટ કરીને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને તેમના નિવેદનની ટીકા કરી અને તેમના સામે કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી હતી.
શોભા કરંદલાજના નિવેદનનો તમિલનાડુમાં વિરોધ કરવામાં આવ્યો હતો, વિરોધ બાદ તેમણે નિવેદન પાછું ખેંચ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, ‘હું મારા તમિલ ભાઈઓ અને બહેનોને સ્પષ્ટ કરવા માંગુ છું કે મારા શબ્દોનો અર્થ કોઈને હાની પહોંચાડવાનો નથી. આમ છતાં મારી ટિપ્પણીઓથી કેટલાક લોકોને દુઃખ થયું છે. હું આ માટે માફી માંગુ છું. મારી ટિપ્પણીઓ માત્ર બ્લાસ્ટની ઘટના સાથે સંબંધિત હતી. હું મારું અગાઉનું નિવેદન પાછું ખેંચું છું.’
શોભા કરંદલાજે તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન પર હિન્દુઓ અને ભાજપના કાર્યકરોને નિશાન બનાવવા માટે કટ્ટરપંથી તત્વોને પ્રોત્સાહિત આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું, મિસ્ટર સ્ટાલિન, તમારા શાસન હેઠળ તમિલનાડુનું શું થઈ ગયું છે. તમારી તુષ્ટિકરણની રાજનીતિ કટ્ટરપંથી તત્વોને હિંદુઓ અને ભાજપના કાર્યકરો પર હુમલા કરવા પ્રોત્સાહિત કરે છે. તમારા કારણે જ આઈએસ જેવા આતંકવાદી સંગઠનોના લોકો સતત બોમ્બ વિસ્ફોટો કરે છે.
મુખ્ય પ્રધાન સ્ટાલિને આ આરોપો પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હું આ બેદરકાર નિવેદનની સખત નિંદા કરું છું. આવા દાવા ફક્ત એનઆઈએ અધિકારીઓ અથવા રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસ સાથે નજીકથી જોડાયેલા લોકો જ કરી શકે છે. તમને આવા કોઈપણ દાવા કરવાનો હક નથી.
આ સાથે મુખ્ય પ્રધાન સ્ટાલિને ચૂંટણી પંચને કેન્દ્રીય પ્રધાનના આ નિવેદનોની નોંધ લેવા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા આહવાન કર્યું છે. મુખ્ય પ્રધાન સ્ટાલિને કહ્યું છે કે તમિલિયનો અને કન્નડીગાઓ ભાજપની આ વિભાજનકારી રાજનીતિને ફગાવી દેશે. શાંતિ, સૌહાર્દ અને રાષ્ટ્રીય એકતા માટે ખતરો ઉભી કરનાર શોભા સામે હું યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરું છું.
રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસ અંગે તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ 13 માર્ચે મુખ્ય શંકાસ્પદને મળનાર શખ્સને કસ્ટડીમાં લીધો હતો.. એનઆઈએએ કહ્યું કે સૈયદ શબ્બીર નામના શંકાસ્પદને કર્ણાટકના બેલ્લારી જિલ્લામાંથી અટકાયતમાં લેવામાં આવ્યો છે.