હું દાઉદને લાંબા સમયથી ઓળખું છું…દુબઈથી, તે મારા માટે સન્માનની વાત છે કે તેની પુત્રીએ મારા પુત્ર સાથે લગ્ન કર્યા છે
ઇસ્લામાબાદ
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદ અને અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના સંબંધો કોઇથી છૂપા નથી. બંને એકબીજાના વેવાઇ છે. હવે વરને કોણ વખાણે તો કહે વરની મા એ નાતે જાવેદ મિયાંદાદે ડોન દાઉદ ઇબ્રાહીમના ભરી ભરીને વખાણ કર્યા છે.
મુંબઈમાં 1993માં થયેલા ભયાનક બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમ ફરી એકવારચર્ચામાં છે. જેને ચર્ચામાં લાવનાર છે પાકિસ્તાનનો એક પૂર્વ ક્રિકેટર. તેણે તાજેતરમાં દાઉદ ઈબ્રાહિમના ખૂબ વખાણ કર્યા હતા. એક પાકિસ્તાની પત્રકારની યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ક્રિકેટર જાવેદ મિયાંદાદે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના વખાણ કરતા કહ્યું હતું કે, તેણે “મુસ્લિમો માટે ઘણું કર્યું છે”.
મિયાંદાદે કહ્યું હતું કે, “હું તેને (દાઉદને) લાંબા સમયથી ઓળખું છું…દુબઈથી. તે મારા માટે સન્માનની વાત છે કે તેની પુત્રીએ મારા પુત્ર સાથે લગ્ન કર્યા છે. તેની પુત્રી માહરૂખ ખૂબ જ શિક્ષિત. તેણે કોન્વેન્ટ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.” “તેણે (દાઉદે) મુસ્લિમો માટે ઘણું કર્યું છે. દાઉદે મુસ્લિમ સમુદાય માટે જે પણ કર્યું છે તે સુવર્ણ શબ્દોમાં લખવામાં આવશે.,” એમ તેમણે કહ્યું હતું. મિયાંદાદના પુત્ર જુનૈદના લગ્ન દાઉદની પુત્રી માહરૂખ સાથે થયા છે. આ લગ્ન 2005માં દુબઈમાં અભૂતપૂર્વ સુરક્ષા વચ્ચે થયા હતા.
દાઉદ ઈબ્રાહિમ ભારતમાં એક વોન્ટેડ આતંકવાદી છે અને તે 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ છે, જેમાં લગભગ 260 લોકોના જીવ ગયા હતા. તે ડી-કંપની નામનું એક ખતરનાક અપરાધ સિન્ડિકેટ ચલાવે છે જે ભારતમાં સક્રિય છે. ગેગઅપરાધ અને છેતરપિંડી માટે વોન્ટેડ ગુનેગારોની ઈન્ટરપોલની યાદીમાં પણ તેનો ઉલ્લેખ છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં એવા અહેવાલો આવ્યા હતા કે દાઉદ ઈબ્રાહિમને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે પાકિસ્તાનના કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઝેર આપીને તેની હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ હતી. પરંતુ તે સમાચારને સમર્થન મળ્યું ન હતું.
જાવેદ મિયાંદાદાની વાત કરીએ તો તેની ગણના પાકિસ્તાનના દિગ્ગ્જ ક્રિકેટરોમાં થાય છે. તેણે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પાકિસ્તાન માટે 124 ટેસ્ટ અને 233 વન-ડે ઈન્ટરનેશનલ (વન-ડે) રમી હતી. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 8832 રન અને 23 સદી ફટકારી હતી, જ્યારે વન-ડેમાં તેણે આઠ સદી સાથે 7381 રન બનાવ્યા હતા. બે ફોર્મેટમાં તેની બેટિંગ એવરેજ અનુક્રમે 52 અને 41ની હતી.