ટ્રુડોએ કહ્યું કે, કેનેડાની ધરતી પર કેનેડાના નાગરિકની હત્યાની ઘટનાને સરકારે ગંભીરતાથી લેવી જ જોઈએ
ઓટાવા
કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ મુકીને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સાથેના સબંધો ખરાબ કરી નાંખ્યા છે.
આટલા સમય બાદ પણ ટ્રુડો આ હત્યામાં ભારતનો હાથ હોવાના પૂરાવા નથી આપી શક્યા પણ તેમણે આ મામલામાં ભારતનો હાથ હોવાનો બેસૂરો રાગ આલાપવાનુ ચાલુ જ રાખ્યુ છે.
ટ્રુડોએ વધુ એક વખત કહ્યુ છે કે, કેનેડાની ધરતી પર કેનેડાના નાગરિકની હત્યાની ઘટનાને સરકારે ગંભીરતાથી લેવી જ જોઈએ અને અમે આ હત્યાને ગંભીરતાથી લીધી છે. આ હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા તેવો વિશ્વસનીય આરોપ છે અને અમે સમગ્ર મામલાને હળવાશથી લીધો નથી. કેનેડાના નાગરિકોને અન્ય દેશોની સરકારોના ગેરકાયદે કૃત્યોથી બચાવવાની મારી સરકારની જવાબદારી છે.
તેમણે આગળ કહ્યુ હતુ કે, કેનેડાની સરકાર સુનિશ્ચિત કરવા માંગે છે કે, નિજ્જર હત્યાની તપાસ યોગ્ય રીતે થઈ રહી છે. નિજ્જરની હત્યાના મૂળ સુધી જજવા માટે ભારત સાથે મળીને રચનાત્મક રીતે કામ કરવાની અમારી ઈચ્છા છે. કેનેડાના નાગરિકોની સુરક્ષા અન્ય દેશોના હસ્તક્ષેપથી ના જોખમાય તે માટે મારી સરકાર કામ કરી રહી છે
ટ્રુડોના આ નિવેદનના થોડા દિવસ પહેલા જ નિજ્જરની હત્યાના ફૂટેજ સામે આવ્યા છે. નિ્જજરની ગત વર્ષે જૂન મહિનામાં કેનેડાના એક ગુરુદ્વારા પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.