એનજીટીએ વડાપ્રધાનની સુરક્ષાની 3 ગાડીઓ જરૂરી હોઈ તેનાં રજિસ્ટ્રેશન આગળ વધારવાની અરજી ફગાવી દીધી
નવી દિલ્હી
નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં વપરાતી 3 ડીઝલ ગાડીઓનું રજિસ્ટ્રેશન આગળ વધારવાનો ઈનકાર કરી દીધો છે. વિશેષ સુરક્ષા સમૂહ (એસપીજી) એ એનજીટીની પાસે અરજી કરી હતી કે વડાપ્રધાનની સુરક્ષાના ખાસ હેતુથી આ 3 ગાડીઓ જરૂરી છે. તેથી તેનું રજિસ્ટ્રેશન આગળ વધારવામાં આવે. જોકે ટ્રિબ્યૂનલે એસપીજી ની અરજી ફગાવી દીધી છે.
22 માર્ચના પોતાના આદેશમાં એનજીટીના અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ અને વિશેષજ્ઞ સભ્ય ડો. એ સેંથિલ વેલની મુખ્ય બેન્ચે એસપીજીની અરજીને ફગાવી દીધી. બેન્ચે સુપ્રીમ કોર્ટના ઓક્ટોબર 2018ના આદેશનો હવાલો આપ્યો. જેમાં દિલ્હી એનસીઆરના રસ્તા પર 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોના ચાલવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
ગ્રીન ટ્રિબ્યૂનલની બેન્ચે કહ્યુ, અમે એ વાતને જાણીએ છીએ કે આ ત્રણ વાહન વિશેષ ઉપયોગ માટે છે જે સામાન્યરીતે ઉપલબ્ધ નથી. આ સિવાય આ વાહન છેલ્લા દસ વર્ષમાં ખૂબ ઓછા ચાલ્યા છે. સાથે જ વડાપ્રધાનની સુરક્ષાના વિશિષ્ટ હેતુ માટે તેની જરૂર પણ છે પરંતુ માનનીય સુપ્રીમ કોર્ટનો તારીખ 29.10.2018નો આદેશ છે. તેના આધારે તમારી અરજી અમે મંજૂર કરી શકતા નથી. તેથી તેને ફગાવવામાં આવે છે.
વડાપ્રધાનની સુરક્ષા કરનાર એસપીજીએ એનજીટીને વિનંતી કરી હતી કે તેઓ પરિવહન વિભાગ એનસીટી દિલ્હી/રજિસ્ટ્રેશન સત્તાને વિશેષ સશસ્ત્ર વાહનો (03 સંખ્યા) ના રજિસ્ટ્રેશન સમયગાળાને પાંચ વર્ષ એટલે કે 23-12-2029 સુધી વધારવાની પરવાનગી આપવાનો આદેશ આપો. કેમ કે આ વાહન સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ તકનીકી લોજિસ્ટિક્સનું જરૂરી અને અભિન્ન અંગ છે.
આ ત્રણ ગાડીઓ 2013માં બની હતી અને ડિસેમ્બર 2014માં તેનું રજિસ્ટ્રેશન થયુ હતુ. આ ગાડીઓ 3 રેનોલ્ટ એમડી-5 વિશેષ સશસ્ત્ર વાહન છે. આ ત્રણેય ગાડીઓ છેલ્લા 9 વર્ષોમાં ક્રમશ: લગભગ 6,000 કિમી, 9,500 કિમી અને 15,000 કિમી જ ચાલી છે. કેમ કે તેનો ઉપયોગ માત્ર વિશિષ્ટ વ્યૂહાત્મક હેતુ માટે કરવામાં આવી રહ્યો છે.
જોકે ડિસેમ્બર 2029 સુધી એટલે કે 15 વર્ષના સમયગાળા માટે રજીસ્ટર આ વાહનોને સુપ્રીમ કોર્ટના 2018 ના આદેશના અનુરુપ ડિસેમ્બર 2024માં 10 વર્ષ પૂરા થવા પર બિનરજિસ્ટર કરી દેવામાં આવશે. મે 2023માં એસપીજીએ પરિવહન વિભાગને ત્રણેય વાહનોના રજીસ્ટ્રેશનને આગામી પાંચ વર્ષ સુધી વધારવા માટે કહ્યુ હતુ.