અમે ક્રિકેટ રમતા હતા તો તમામ અમારા મિત્ર હતા પરંતુ હવે તો તમામ કલીગ છે કારણ કે અહીં દરેક હવે પોતાને આગળ સમજે છે
નવી દિલ્હી
શું ટીમ ઈન્ડિયામાં બધુ ઠીક નથી? રવિચંદ્રન અશ્વિને આ પ્રશ્નનો ચોંકાવનારો જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યુ કે હવે ટીમ ઈન્ડિયામાં કોઈ મિત્ર રહ્યા નથી. એક સમય હતો જ્યારે અમે મિત્રોની જેમ રહેતા હતા પરંતુ હવે બધુ ઠીક નથી.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. રવિચંદ્રન અશ્વિનને ફાઈનલ મેચમાં ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ નહોતુ. જે બાદ અમુક દિગ્ગજોએ મેનેજમેન્ટની સામે પ્રશ્નો ઉભા કર્યા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના જ મેમ્બર રવિચંદ્રન અશ્વિને જણાવ્યુ કે ટીમ ઈન્ડિયામાં બધુ ઠીક નથી. અહીં કોઈ હવે મિત્ર રહ્યા નથી હવે બધા સહયોગી છે.
અશ્વિને કહ્યુ કે આ એક એવો સમય છે જ્યાં દરેક કલીગ છે. એક સમય હતો જ્યારે અમે ક્રિકેટ રમતા હતા તો તમામ અમારા મિત્ર હતા પરંતુ હવે તો તમામ કલીગ છે કારણ કે અહીં દરેક હવે પોતાને આગળ સમજે છે. અશ્વિને કહ્યુ, મને લાગે છે કે ક્રિકેટમાં તમારી સ્ટાઈલ વધુ સારી ત્યારે થાય છે જ્યારે તમે તેને શેર કરતા હોવ. આ તમને મદદ કરે છે જ્યારે તમે ક્રિકેટની ટેકનિક અને કોઈની જર્ની વિશે જાણો પરંતુ અહીં કોઈ આવતુ નથી અહીં સૌથી અલગ રહેવાની ફીલિંગ આવે છે. તમારે શીખવુ હોય તો તમે કોચિંગમાં કે કોઈ કોચને ફી આપીને આ શીખી શકો છો.
અશ્વિન અત્યારે તમિલનાડુ પ્રીમિયર લીગમાં રમી રહ્યા છે. જ્યાં તેઓ ડિંડીગુલ ડ્રેગન્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વેસ્ટઈન્ડિઝ સામે ભારતે આગામી મહિને ટેસ્ટ, ટી20 અને વનડે સિરીઝ રમવાની છે. અત્યાર સુધી આ માટે સ્કવોડનું એલાન થયુ નથી. આશા છે કે અશ્વિનને એકવાર ફરી કોઈ ફોર્મેટમાં સામેલ કરવામાં આવી શકે છે.
રવિચન્દ્રન અશ્વિને અત્યાર સુધીમાં ભારત માટે કુલ 92 ટેસ્ટ, 113 વનડે અને 65 ટી20 રમી છે. જેમાં તેમણે ક્રમશ: 474, 151 અને 72 વિકેટ લીધી છે. ટેસ્ટમાં 10 વિકેટ લેવાનુ કારનામુ તેમણે કુલ 7 વખત કર્યુ છે. આ સિવાય ટેસ્ટમાં તેઓ 5 સદી પણ ફટકારી ચૂક્યા છે.