ભારતીય ટીમની જાહેરાત એપ્રિલના છેલ્લા સપ્તાહમાં જાહેર થશે

Spread the love

મેગા ટૂર્નામેન્ટની આયોજક આઇસીસીએ તમામ દેશોને ટીમ જાહેર કરવા માટે પહેલી મેની કટ-ઑફ ડેટ આપી છે

નવી દિલ્હી

હમણાં તો ક્રિકેટજગતની સૌથી મોટી ટી-20 ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ચાલી રહી છે એટલે બીજી બધી ટૂર્નામેન્ટો કે સિરીઝોનું ખાસ કંઈ મહત્ત્વ રહેતું નથી, પરંતુ રવિવાર, 26મી મેએ ફાઇનલ રમાઈ જશે ત્યાર બાદ ગણતરીના જ દિવસોમાં (જૂનમાં) અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે શરૂ થનારા ટી-20ના મેન્સ વર્લ્ડ કપ વિશે જે કંઈ નવા સમાચાર આવે એ ખૂબ અગત્યના હોય છે. બીસીસીઆઇના એક સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું કે ભારતની આ ટી-20 વિશ્ર્વ કપ માટેની ટીમ લગભગ એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. ત્યાં સુધીમાં આઇપીએલનો પહેલો અડધો તબક્કો પૂરો થઈ ગયો હશે.
એનું કારણ એ છે કે આ મેગા ટૂર્નામેન્ટની આયોજક આઇસીસીએ તમામ દેશોને ટીમ જાહેર કરવા માટે પહેલી મેની કટ-ઑફ ડેટ આપી છે એટલે દરેકે એ પહેલાં ટીમ જાહેર કરી દેવી પડશે.
લગભગ એક મહિનામાં ભારતની ટીમ જાહેર કરી દેવાશે, પરંતુ આઇસીસીએ એક છૂટછાટ પણ આપી છે. દરેક ટીમ પહેલી મે સુધીમાં ટીમ જાહેર કરી દીધા પછી પચીસમી મે સુધીમાં ક્યારેય પણ ટીમમાંના ખેલાડીઓમાં ફેરફાર કરી શકશે.
બીસીસીઆઇના સૂત્રએ બીજી રસપ્રદ જાણકારી આપતા કહ્યું હતું કે આઇપીએલમાં જે ટીમ પ્લે-ઑફમાં નહીં પહોંચે એમાંના જે પણ ભારતીય ખેલાડીઓને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરાયા હશે તેમને મે મહિનાની મધ્યમાં ન્યૂ યૉર્ક મોકલી દેવામાં આવશે. સિલેક્ટરો કેટલાક સ્ટૅન્ડ-બાય પ્લેયરોને પણ પસંદ કરશે અને તેમને પણ ન્યૂ યૉર્ક મોકલવામાં આવશે.
ટી-20 વર્લ્ડ કપ બીજી જૂને શરૂ થશે. ભારતની પ્રથમ મૅચ પાંચમી જૂને આયરલૅન્ડ સામે રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચે નવમી જૂને ન્યૂ યૉર્કમાં મુકાબલો થશે.
આ વર્લ્ડ કપની 20 ટીમમાં ભારત, પાકિસ્તાન, અમેરિકા, વેસ્ટ ઇન્ડિઝ, ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, કૅનેડા, ઇંગ્લૅન્ડ, આયરલૅન્ડ, નામિબિયા, નેપાળ, નેધરલૅન્ડ્સ, ન્યૂ ઝીલૅન્ડ, ઓમાન, પપુઆ ન્યૂ ગિની, સ્કૉટલૅન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને યુગાન્ડાનો સમાવેશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *