બનાસકાંઠા બેઠક પર ફરી ઉમેદવાર બદલવાની શક્યતા

Spread the love

મુખ્યમંત્રીના નિવાસ સ્થાને નેતાઓની ત્રણ કલાક બેઠક

ગાંધીનગર

લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ રહી છે. ત્યારે ભાજપ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર નામ જાહેર કરી ચૂકી છે. જેમાં ગુજરાતની બે બેઠકો પર ભાજપે ઉમેદવારો બદલ્યા છે. વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટને બદલીને હેમાંગ જોશી અને સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. ત્યારે સાબરકાંઠા બેઠક પર નવો ચહેરો જાહેર થતાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો છે. જેને લઈને આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મહત્વની બેઠકનું આયોજન કરાયું છે.

વિવાદ બાદ આજે ગાંધનગરમાં મુખ્યમંત્રી નિવાસ્થાને સાબરકાંઠા ભાજપના આગેવાનો સાથે મુખ્યમંત્રી બેઠક યોજી હતી. ત્રણ કલાક સુધી આ બેઠક ચાલી હતી. બેઠકમાં સાબરકાંઠા જિલ્લાના ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને સાંસદ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં  દીપ સિંહ રાઠોડ, ધારાસભ્ય રમણલાલ વોરા, વી.ડી ઝાલા, ધવલસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હિંમતનગર ખાતે આગેવાનો સાથે મુલાકાત કરી હતી.

વિવાદ સર્જાતા ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભીખાજીના સમર્થકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ભીખાજીના સમર્થનમાં કાર્યકરોએ ધડાધડ રાજીનામાં આપી દીધા હતા. અરવલ્લી ભાજપ કાર્યાલય ખાતે ભીખાજીના સમર્થકોએ શોભનાબેન બારૈયાની હાજરીમાં વિરોધ કર્યો હતો. ત્યારે હવે ભાજપે શોભનાબેન બારૈયાને બદલીને નવા ચહેરાની શોધ શરૂ કરી છે. તેવામાં સાબરકાંઠામાં ભાજપ બીજી વખત ઉમેદવાર બદલી ત્રીજો ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
ભાજપે સાબરકાંઠા બેઠક પર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને ટિકિટ આપતા જ હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જિતેન્દ્રસિંહએ પત્ર લખીને વિરોધ વ્યક્ત કર્યો છે. જિતેન્દ્રસિંહનું કહેવું છે કે, ‘ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ભાજપ કાર્યકર્તા ન હોવા છતાં ટિકિટ આપી છે. કાર્યકર્તાના સ્થાને કાર્યકર્તાની પત્નીને ટિકિટ કેમ અપાઈ, શોભનાબેન નહીં, તેમના પતિ પક્ષના કાર્યકર છે. અહીં મહિલા કાર્યકર્તાને ટિકિટ આપવાની માંગ છે.’ કૌશલ્યા કુંવરબા પસંદ ના હોય તો અન્યને ટિકિટ આપો, શોભનાબેને પક્ષ માટે કોઈ કામ કર્યા નથી.’ ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ આપતા આ વિરોધ શરૂ થયો છે. કૌશલ્યા કુંવરબા અને રેખાબાને ટિકિટ આપવાની પણ માંગ થઈ હતી.
સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની સમર્થકોની માંગ છે. ભાજપ કાર્યાલય પર વિરોધને લઈ કાર્યાલયનાં દરવાજા બંધ કરાવવાની ફરજ પડી હતી. ત્યારે વિરોધ કરી રહેલા કાર્યકરોને અટકાવવા પોલીસ બોલાવવી પડી હતી. આ મામલે ભીખાજી ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે. ‘હું પાર્ટીની સાથે જ છું અને પાર્ટીનો નિર્ણય સર્વમાન્ય છે. જે કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તે જો મારા સમર્થકો હશે તો હું તેમને ચોક્કસ સમજાવીશ કે વિરોધ પ્રદર્શન ન કરે.’

લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થશે. ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના રોજ થશે. ચોથા તબક્કાનું મતદાન 13મી મેના રોજ થશે. 20મી મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25મી મેના રોજ થશે. સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂને થશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ મતદાન થશે. તમામ 26 બેઠકો માટે એક સાથે ચૂંટણી યોજાશે. ચોથી જૂને પરિણામ જાહેર થશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *