રાજ્યના પુર પ્રભાવિત વિસ્તારોમાં શાળા કોલેજોમાં રજા આપી દેવાઈ
અમદાવાદ
ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બનતાં અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત નિચાણવાળા વિસ્તારમાંથી કુલ 12,444 લોકોને કાઢવામાં આવ્યા છે. તેમજ પાણીમાં ફસાયેલા 617 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. છેલ્લા ત્રણેક દિવસમાં રાજ્યમાં 126 તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના પુર પ્રભાવિત વિસ્તારોમાં શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે. આવી સ્થિતિ વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉકાઈથી 51 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે. વરસાદની આફત વચ્ચે ભૂકંપના આંચકા આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 248 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઈંચ અને મેંદરડામાં આઠ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં એકથી બે ઈંચ જેટલો વરસાદ થયો છે.રાજ્યમાં 207 ડેમ 93 ટકા ભરાયા છે. રાજ્યના 90 જળાશયોને હાઇએલર્ટ પર મુકાયા છે. જ્યારે 111 જળાશયોમાં 70થી 100 ટકા પાણીનો સંગ્રહ, 30 જળાશયોમાં 50થી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25થી 50 ટકા જળસંગ્રહ અનેફક્ત 14 જળાશયોમાં 25 ટકા કરતા ઓછો જળસંગ્રહ થયો છે.
ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ અને જળાશયોમાં નવા નીર આવ્યાં છે. રાજ્યના 28 જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. 111 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ, 30 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસંગ્રહ, 14 જળાશયોમાં 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 75.69 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 92.11 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 95.89 ટકા, કચ્છના 20 જળાશયોમાં 59.53 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 78.77 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 27 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 63 જળાશયો મળી કુલ 90 જળાશયો હાઈએલર્ટ પર છે. જ્યારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 28 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 20 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.