2008માં આ પક્ષોએ મહિલા અનામતમાં સબ-ક્વોટાની અને એસસી,એસટી અને ઓબીસી મહિલાઓને પણ તેમાં અનામતની માગણી કરી હતી
આજે સંસદના વિશેષ સત્રનો બીજો દિવસ છે. આજથી નવા સંસદભવનના શ્રી ગણેશ થયા છે. ત્યારે સંસદના વિશેષ સત્ર વચ્ચે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરીને મળી ગઈ છે. આ દરમિયાન કોંગ્રેસ, બીઆરએસ જેવા પક્ષોએ બિલને સમર્થન આપ્યું છે. જોકે, જેડીયુ અને આરજેડી જેવા પક્ષોનું માનવું છે કે, તેઓ બિલની કોપી વાંચ્યા પછી જ આ અંગે નિર્ણય લેશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, સપા, જેડીયુ અને આરજેડી આ મામલે વાંધો ઉઠાવી શકે છે. 2008માં આ પક્ષોએ મહિલા અનામતમાં સબ-ક્વોટાની પણ માંગણી કરી હતી અને કહ્યું હતું કે એસસી,એસટી અને ઓબીસી મહિલાઓને પણ તેમાં અનામત મળવી જોઈએ.
યુપીએ સરકારના દ્વારા રજૂ કરવામાં આવેલ બિલમાં આ પ્રકારની કોઈ રજૂઆત ન હતી. તેથી જ સમાજવાદી પક્ષોએ વિરોધ કર્યો હતો અને પછી લોકસભામાં બિલ રજૂ થઈ શક્યું ન હતું. જો કે આ બિલ કોંગ્રેસ દ્વારા રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. તે બિલમાં લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ હતી. પરંતુ આમાં કોઈપણ પ્રકારના સબ-ક્વોટાની કોઈ વાત કરવામાં આવી ન હતી. હવે જોવાનું એ રહે છે કે મોદી સરકારનું બિલ કેવું હશે અને જો તેમાં કોઈ સબ-ક્વોટા નહીં હોય તો સમાજવાદી પક્ષો ફરી એકવાર તેનો વિરોધ કરી શકે છે.
જોકે, આ મામલે ઈન્ડિયા ગઠબંધનની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસે કોઈ સબ-ક્વોટાની માંગણી કરી નથી. જેને જોતા એવું લઇ રહ્યું છે કે, વિપક્ષી ગઠબંધનમાં આને કારણે મતભેદ ઉભા થઇ શકે છે. યુપીએ સરકાર દરમિયાન જ્યારે રાજ્યસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે આરજેડીના સાંસદોએ હંગામો મચાવ્યો હતો અને તેમને ગૃહમાંથી હાંકી કાઢવા માટે માર્શલને પણ બોલાવવા પડ્યા હતા. આ બીલ લોકસભા ચૂંટણી 2024ને ધ્યાને લઇ મોદી સરકાર લાવી રહી છે એવું પણ કેટલા લોકોનું માનવું છે.