આ માટે જેલની અથવા દંડની સજા પણ થશે, ચીનના લોકોની લાગણી દુભાવે તેવા ભાષણો પણ નહીં કરી શકાય
બિજિંગ
ચીનની સામ્રાજ્યવાદી સરકાર અજીબો ગરીબ કાયદો લાવવાની પેરવી કરી રહી છે.
જેમાં દેશની લાગણી દુભાય તે પ્રકારના કપડા પહેરવાનુ ગેરકાયદેસર રહેશે. આ માટે જેલની અથવા દંડની સજા પણ થશે. બ્રિટિશ મીડિયા રિપોર્ટ અનુસાર જે કાયદો પ્રસ્તાવિત થયો છે તેમાં કહેવામાં આવ્યુ છે કે, ચીનના લોકોની લાગણી દુભવે તેવા ભાષણો પણ નહીં કરી શકાય અને તે પ્રકારના કપડા પણ પહેરી નહીં શકાય.
જોકે હજી સુધી સ્પષ્ટ નથી થયુ કે નવા નિયમો આવ્યા બાદ કયા પ્રકારના કપડા પર પ્રતિબંધ લગાવવામાં આવશે…જો જેલની સજા થશે તો કેટલા વર્ષની હશે અને દંડ ભરવાનો આવશે તો કેટલો દંડ ભરવો પડશે?
જોકે એવી અટકળો થઈ રહી છે કે, જે પોશાક પર પ્રતિબંધ મુકાશે તે પહેરીને કોઈ નાગરિક બહાર દેખાશે તો તેને પંદર દિવસની જેલ અથવા ભારતીય ચલણ પ્રમાણે 5000 રૂપિયા સુધીનો ફાઈન ભરવો પડશે.
ચીનમાં ગયા વર્ષે શાંઘાઈ નજીક સુજો નામના શહેરમાં પોલીસે એક મહિલાને તેના ડ્રેસ સામે વાંધો ઉઠાવીને અટકાયતમાં લીધી હતી. તેણે જાહેર સ્થળે કિમોનો પહેર્યો હતો અને આ એક જાપાની પોશાક છે. જાપાને બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન ચીન પર કરેલા અત્યાચારોના કારણે આજે પણ જાપાનને ચીનના લોકો કટ્ટર દુશ્મન તરીકે જુએ છે.