મીરા તેના ચેન્નઈ સ્થિત આવાસ પર ફાંસી પર લટકેલી હાલતમાં મળી આવી
નવી દિલ્હી
કંપોઝર, એક્ટર અને પ્રોડ્યૂસર વિજય એન્ટનીની પુત્રી મીરાનું આજે સવારે મૃત્યુ થઈ ગયું છે. વિજયની 16 વર્ષની પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મીરા તેના ચેન્નઈ સ્થિત આવાસ પર ફાંસી પર લટકેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ડોક્ટર્સે તેની તપાસ કર્યા બાદ તેને મૃત ઘોષિત કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે વિજયની પુત્રી ડિપ્રેશનમાં હતી અને તે તેનો ઈલાજ પણ કરાવી રહી હતી.
વિજય એન્ટનીની પુત્રી મીરા સવારે 3:00 વાગ્યે ચેન્નઈ સ્થિત પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. તે 16 વર્ષની હતી અને ચેન્નઈની એક ફેમસ સ્કૂલમાં અભ્યાસ કરી રહી હતી. મીરા ડિપ્રેશનનો સામનો કરી રહી હતી. હાઉસ હેલ્પરે મીરાને તેના રૂમમાં ફાંસી પર લટકેલી હાલતમાં જોઈ. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. હાલમાં પોલીસ અધિકારીઓએ આ મામલે તપાસ હાથ ધરી છે. બીજી તરફ વિજય અને તેના પરિવારે હજુ સુધી આ દુ:ખદ ઘટના વિશે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપ્યું.
વિજય એન્ટની એક પોપ્યુલર કંપોઝર છે જે મુખ્યરૂપે તમિલ સિનેમામાં કામ કરે છે. અનેક વર્ષો સુધી સંગીતકાર રહ્યા બાદ તેઓ નિર્માતા, અભિનેતા, ગીતકાર, સંપાદક, ઓડિયો એન્જિનિયર અને નિર્દેશક પણ બન્યા. તેમણે ફાતિમા વિજય એન્ટની સાથે લગ્ન કર્યા છે. વિજય અને ફાતિમા બે દીકરીઓ મીરા અને લારાના પેરેન્ટસ છે. કંપોઝર વિજય એન્ટની હાલમાં પોતાના એક્ટિંગ પ્રોજેક્ટોમાં વ્યસ્ત છે અને પોતાની અપકમિંગ ફિલ્મ ‘રથમ’ની તૈયારી કરી રહ્યા છે. તેમણે હાલમાં જ ચેન્નઈમાં એક કોન્સર્ટ આયોજિત કર્યો હતો જે ખૂબ જ હિટ રહ્યો હતો.