રંજન ભટ્ટના સ્થાને ટિકિટ મેળવનારા જોશી સામે યુવા મોરચાના કાર્યાલય મંત્રી પ્રિતેશ શાહે રોષ ઠાલવ્યો
વડોદરા
લોકસભાની વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં પક્ષના આંતરિક જૂથબંધીનો અંત આવી રહ્યો નથી. ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટને બદલીને ડૉ. હેમાંગ જોશીને ટિકિટ આપી હતી. પરંતુ તેમની સામે પણ વોર્ડ નંબર પાંચના યુવા મોરચાના કાર્યાલય મંત્રી પ્રિતેશ શાહે રોષ ઠાલવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના લાઈવ સ્ટ્રીમિંગમાં પ્રિતેશ શાહે કોમેન્ટ કરીને રોષ ઠાલવ્યો હતો. તેમણે કોમેન્ટ કરી કે, ‘વડોદરા નારી શક્તિનું અપમાન, ટિકિટ આપી પાછી લીધી. જેને આપી એને શું કર્યું પાર્ટી માટે, કાર્યકર્તા આખી જિંદગી ઘસાય અને બીજા આવી તૈયાર થાળીએ બેસી જાય.’ પ્રિતેશ શાહની આવી કોમેન્ટને લઈને રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટનો વિરોધ થતા ભાજપે ઉમેદવાર બદલવાની જરૂર પડી હતી. રંજનબેન ભટ્ટે જાતે જ ચૂંટણી લડવાની ઈચ્છા નથી તેવી જાહેરાત કરતા ભાજપના ઉમેદવારોની પાંચમી યાદીમાં વડોદરાના નવા ઉમેદવાર તરીકે ડૉ. હેમાંગ જોષીના નામની જાહેરાત કરવામાં આવી હતી. માત્ર 33 વર્ષની વયે લોકસભાની દાવેદારી મળતા ડૉ. હેમાંગ જોષીના નામથી સૌ કોઈ ચોંકી ઉઠયા હતા.
ઉલ્લેખનીય છે કે, સિનિયર નેતાઓ અને અન્ય જુના કાર્યકર્તાઓને કોરાણે મૂકી ત્રણેક વર્ષથી ભાજપમાં જોડાયેલા ડૉ. હેમાંગ જોશીની સંગઠનના ગણ્યા ગાંઠ્યા કેટલાક વ્યક્તિઓના ઈશારે પસંદગી કરવામાં આવી હોવાનું ચર્ચાય છે. ત્યારે બીજી તરફ ધૂળેટીના પર્વે સાવલીના ધારાસભ્યને વરેલા વોટ્સએપ ગ્રૂપમાં ડૉ. હેમાંગ જોશીની નિમણૂકનો ભારે વિરોધ શરૂ થયો હતો અને ગ્રૂપમાં હેમાંગ જોશી અંગે વિવિધ કોમેન્ટનો મારો પણ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને ડૉ. હેમાંગ જોશી મૂળ પોરબંદરના છે, એટલે કે વડોદરાના સ્થાનિક નથી. પરંતુ શહેર માટે આયાતી ઉમેદવાર તરીકે તેમને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.