ગાંધીધામ
WTT ફીડર ઓકટોસેસ 2024 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભારતના માનવ ઠક્કર અને માનુષ શાહની સ્ટાર ડબલ્સ જોડી ફાઇનલનો અવરોધ પસાર કરવામાં નિષ્ફળ રહી હતી કેમ કે સ્લોવેનિયાના સ્પોર્ટ્સ સેન્ટર ઓક્ટોસેસ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં કોરિયાના કિમ મિનહાયેઓક અને પાર્ક ગાંઘાયરોનની જોડી સામે મેન્સ ડબલ્સની ફાઇનલમાં તેમનો પરાજય થયો હતો.
ગુજરાતના માનવ અને માનુષે પ્રારંભિક ગેમ જીતીને ફાઇનલનો શાનદાર પ્રારંભ કર્યો હતો પરંતુ કોરિયન જોડીએ બીજી ગેમમાં સ્કોર સરભર કરી દીધો હતો. ત્યાર બાદ પણ ભારતીય જોડીએ ત્રીજી ગેમ જીતીને મેચને જીવંત રાખતાં આગેકૂચ કરી હતી. જોકે 12મા ક્રમની કોરિયન જોડીએ આગામી બે ગેમ જીતીને અંતે ભારતીય જોડીને 3-2થી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી.
માનવ અને માનુષની મોખરાની ક્રમાંકિત જોડીએ રાઉન્ડ ઓફ 16માં બ્રાઝિલના કાર્લોસ ઇશિડા અને ગિલહેર્મે ટીયોડોરોને 3-0થી હરાવીને ટુર્નામેન્ટનો સફળ પ્રારંભ કર્યો હતો ત્યાર બાદ તેમણે સાતમ ક્રમની ફિનલેન્ડની બેનેડેક ઓલાહ અને એલેક્સ નાઉમીની જોડીને 3-0થી પરાસ્ત કરી હતી.
સેમિફાઇનલમાં ઠકકર અને શાહે ઉમદા દેખાવ કર્યો હતો અને ચેક રાષ્ટ્રના જાકુબ ઝેલિન્કા અને લુબોમિર પિસ્તેજ સામે 3-1થી વિજય હાંસલ કર્યો હતો.
અગાઉ 22મી માર્ચે માનવ અને માનુષની જોડીએ WTT ફીડર બૈરૂત IIમાં ટાઇટલ જીત્યું હતું અને કેઓ 27મી માર્ચે WTT ફીડર બૈરૂત I માં રનર્સ અપ રહ્યા હતા.