ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે, પરંતુ હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ હોવાની કોઈ માહિતી નથી
વોશિંગ્ટન
અમેરિકાના શિકાગોમાં આડેધડ ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. આ ગોળીબારમાં ત્રણના મોત નિપજ્યા હોવાની તેમજ 27 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. ઈજાગ્રસ્તોમાં ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે, પરંતુ હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ હોવાની કોઈ માહિતી નથી.
આ ઘટના શિકાગોના દક્ષિણમાં વિલોબ્રુકમાં થઈ છે. ટ્રાઈ-સ્ટેટ ફાયર પ્રોટેક્શન ડિસ્ટ્રિક્ટ સાથે બટાલિયન ચીફ જો ઓસ્ટ્રેન્ડરે જણાવ્યું કે, લગભગ 12:30 વાગ્યે હની ગ્રોસ લેન નજીક રૂટ 83 પર ફાયરિંગની ઘટના બની છે. નજરે જોનારાઓએ જણાવ્યું કે, જૂનેહવેં તહેવારો માટે પાર્કિંગમાં ઘણા લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યાએ ફાયરિંગ શરૂ કર્યું હતું.
આ ઘટનાને નજરે જોનારા માર્સિયા એવરીએ જણાવ્યું કે, જૂનેહવેં તહેવારો માટે લોકો પાર્ક પાસે એકઠા થયા હતા. આ દરમિયાન અમને ગોળીબારનો અવાજ સંભળાયો હતો. ફાયરિંગ થતાં જ અમે તુરંત જમીન પર સૂઈ ગયા અને જ્યાં સુધી અવાજ બંધ ન થયો ત્યાં સુધી જમીન પર સુતેલા રહ્યા… ગોળીઓનો અવાજ સતત સંભળાતો રહ્યો… અમે ખુબ જ ડરી ગયા હતા.
અન્ય એક પ્રત્યક્ષદર્શી ક્રેગ લોત્સીએ જણાવ્યું કે, અમે બહાર ઉભા હતા. આ દરમિયાન ફાયરિંગનો અવાજ સંભળાયો… લોકો દોડતા જોવા મળ્યા… ચારેબાજુ નાસભાગ મચી હતી. પોલીસે જણાવ્યું કે, ઈજાગ્રસ્તોને 4 જુદી જુદી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, હુમલા બાદ ચારે બાજુ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.