તેલંગણા,
હૈદરાબાદના સરુરનગર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી યુટીટી 30મી નેશનલ માસ્ટર્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતની પ્રસુન્ના પારેખે શાનદાર સફળતા હાંસલ કરીને ત્રણ ગોલ્ડ તથા એક સિલ્વર સહિત ચાર મેડલ જીત્યા હતા.
વિમેન્સ ટીમ 40+ ઇવેન્ટમાં શ્રદ્ધા મહેશ્વરી, શીતલ શાહ, રુચિકા આચ્છા અને કૃપા શાહની ટીમ સાથે મળીને પ્રસુન્નાએ શાનદાર દેખાવ કરીને ટીમ ઇવેન્ટની ફાઇનલમાં કર્ણાટક સામે ગુજરાતને વિજય અપાવવાની સાથે સાથે ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
જોકે સિંગલ્સ ઇવેન્ટમાં અમદાવાદની પારેખને નિરાશ થવું પડ્યું હતું કેમ કે વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં મહારાષ્ટ્રની અંજના રાવ સામે તેનો સંઘર્ષપૂર્ણ રમત બાદ પરાજય થયો હતો જેને કારણે તેને સિલ્વર મેડલથી સંતુષ્ટ રહેવું પડ્યું હતું.
જોકે ખૂબ ઝડપથી તેણે આ પરાજયને એક તરફ રાખીને પોતાની ડબલ્સ જોડીદાર શીતલ શાહ સાથે મળીને વિમેન્સ ડબલ્સ 40+ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો. આ વખતે તેણે મહારાષ્ટ્રની ગાયત્રી દાંડેકર અને શ્રુતિ જોષીને હરાવી હતી.
મિક્સ ડબલ્સ 40+માં પણ પ્રસુન્નાએ વઘુ એક ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યાં તેણે વિરલ પટેલ સાથે મળીને મહારાષ્ટ્રની વિનિતા શુક્લા અને ઓનકાર જોગની જોડીને હરાવી હતી.
સોનલ જોષી, નેહા પટેલ, શુભાગ્ની હાર્ડિકર અને કિન્નરી પટેલની બનેલી ગુજરાતની વિમેન્સ 50+ ટીમે ફાઇનલમાં મધ્ય પ્રદેશની ટીમને હરાવીને ગુજરાતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
સોનલે બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી કેમ કે તેણે નેહા પટેલ સાથે જોડી બનાવીને વિમેન્સ ડબલ્સ 50+માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ગુજરાતના મલય ઠક્કરનો મેન્સ સિંગલ્સ 50+ની ફાઇનલમાં પરાજય થયો હતો. તે મહારાષ્ટ્રના મનીષ રાવત સામે હારી જતાં તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
અન્ય મેડલ વિજેતાઓઃ
મિક્સ ડબલ્સ 50+ હેતલ શાહ અને કિન્નરી પટેલને બ્રોન્ઝ મેડલ.
મિક્સ ડબલ્સ 60+ હરેશ લખવાણી અને પદ્મિની દેસાઈને સિલ્વર મેડલ.
મેન્સ ટીમ 65+ ગુજરાત ‘એ’ ટીમને બ્રોન્ઝ મેડલ (હરીશ ચંદ્રાણી, પ્રશાંત બુચ, સુભાષ સરાફ, ગોપાલ ટેમ્બે અને જ્ઞાનેન્દ્રસિંઘ ચુડાસમા).
મેન્સ 75+ ટીમઃ ગુજરાતની ટીમને સિલ્વર મેડલ (ઇન્દ્રેશ પુરોહિત, અશોક બ્રહ્મભટ્ટ, ધીરૂભાઈ રાજપૂત).
મેન્સ સિંગલ્સ 75+ ઇન્દ્રેશ પુરોહિતને બ્રોન્ઝ મેડલ.
મેન્સ ડબલ્સ 75+ ઇન્દ્રેશ પુરોહિત અને ધીરૂભાઈ રાજપૂતને બ્રોન્ઝ મેડલ.