ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં દિલજિત અને પરિણીતિ ચોપડા છે

મુંબઈ
શાહરુખ ખાને દિલજિત દોસંજને દેશનો બેસ્ટ ઍક્ટર કહ્યો છે. આ વાત ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીએ કહી છે. તેની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં દિલજિત અને પરિણીતિ ચોપડા જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ પંજાબના સિંગર અમર સિંહ ચમકીલાના જીવન પર આધારિત છે. તેમનું અસલી નામ ધન્નીરામ હતું. ફિલ્મમાં દિલજિતને લેવા વિશે પૂછવામાં આવતાં ઇમ્તિયાઝ અલી કહે છે, ‘શાહરુખ ખાને મને કહ્યું કે દેશનો બેસ્ટ ઍક્ટર દિલજિત છે. જો દિલજિતે આ રોલ કરવાની ના પાડી હોત તો કદાચ આ ફિલ્મ પણ ન બની હોત. અમે નસીબદાર છીએ. આનાથી સારું કાસ્ટિંગ તો હોઈ જ ન શકે.’શાહરુખે કરેલી પ્રશંસા પર દિલજિતે કહ્યું, શાયદ મૂડ મેં હોંગે.
દિલજિત દોસંજની મુંબઈમાં હાલમાં કૉન્સર્ટ યોજવામાં આવી હતી. અનેક સેલિબ્રિટીએ હાજર રહીને એ ઇવેન્ટને ખૂબ એન્જૉય કરી હતી. ક્રિતી સૅનન, વરુણ ધવન, મનીષ પૉલ, અંગદ બેદી, આયુષમાન ખુરાના, રાજકુમાર રાવ, તમન્ના ભાટિયા, વિજય વર્મા, કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ પણ હાજર રહ્યાં હતાં. મનીષ પૉલે ઇન્સ્ટાસ્ટોરી પર એક ક્લિપ શૅર કરી હતી; જેમાં તે, ક્રિતી અને વરુણ પણ દિલજિતનાં ગીતો પર ડાન્સ કરી રહ્યાં હતાં તો બીજી તરફ કરીના કપૂર ખાને દિલજિતની કૉન્સર્ટની એક ક્લિપ શૅર કરીને કૅપ્શન આપી, હું તેની ફૅન ગર્લ છું.