સ્પોર્ટ્સ પત્રકારો દ્વારા આયોજન, નરહરિ અમીનના હસ્તે પુરસ્કાર વિતરણ, રણજી ક્રિકેટર પ્રિયાંક પંચાલ અને ચિંતન ગજાની ઉપસ્થિતિ
શહેરની વિવિધ ક્રિકેટ એકેડમીએ ભાગ લીધો, સવિતા ક્રિકેટ એકેડમી રનર્સ અપ, એસપીસીટી ત્રીજા ક્રમે
અમદાવાદ
અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટૂંક સમયમાં ટી20 ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત (SJAG)ના ઉપક્રમે બુધવારે હીરામણિ સ્કૂલના નટરાજ હોલમાં એક સ્પોર્ટ્સ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ટી20 વર્લ્ડ કપના વિષય પર યોજાયેલી આ ક્વિઝમાં અમદાવાદની વિવિધ ક્રિકેટ એકેડમીના તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં હીરામણિ સ્કૂલની ક્રિકેટ એકેડમીની ટીમ ચેમ્પિયન બની હતી.
આ ક્વિઝમાં અમદાવાદની પાંચ એકેડમીની ટીમના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં સવિતા સ્પોર્ટ્સ એકેડમી બીજા ક્રમે રહીને રનર્સ અપ બની હતી તો સ્પોર્ટ્સ પ્રમોટર્સ ચેરિટેબલ ટ્રસ્ટ (એસપીસીટી)ની ટીમ ત્રીજા ક્રમે રહી હતી.
ટી20 વર્લ્ડ કપને લઈને વિવિધ પ્રશ્નો તથા ઓડિયો-વીડિયો પર પ્રશ્નો કરાયા હતા. ભાગ લેનારા મોટા ભાગના ખેલાડી 15થી 20 વર્ષની વયના હતા તે જોતાં તેમણે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમાં ય પ્રથમ ટી20 વર્લ્ડ કપ 17 વર્ષ અગાઉ યોજાયો હતો તેને ઘ્યાનમાં રાખીએ તો તેમાંના મોટા ભાગના ખેલાડી કાં તો એ વખતે બાળવયના હતા અથવા તો કેટલાકનો જન્મ પણ થયો ન હતો તેમ છતાં તેમને જેને કપરા કહી શકાય તેવા સવાલના જવાબો પણ ત્વરિત આપીને સૌને મુગ્ધ કરી દીધા હતા.
હીરામણિ સ્કૂલ તરફથી પુષ્કર માનવર અને ક્રિશ ચારાએ ભાગ લીધો હતો જ્યારે સવિતા એકેડમીના ધૈર્ય શર્મા અને પૃથ્વી સિસોદિયાએ તથા એસપીસીટીના દિશાંત લાઠીગરા અને હરિ મોદીએ ભાગ લીધો હતો. આ ઉપરાંત રોયલ ક્રિકેટ એકેડમીના દેવર્ષ બુચ અને હેત વડોદરીયા તથા રણજી ક્રિકેટ એકેડમીના વ્રજ પટેલ અને સાહિલ લિમ્બાચિયાએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ (ગુજરાત) અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ નરહરિ અમીને ખાસ હાજરી આપીને વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવા ઉપરાંત પ્રેરક પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે માત્ર મેદાન પર રમીને જ નહીં પરંતુ આ પ્રકારની ક્વિઝ કે સંવાદ કાર્યક્રમ થકી પણ કોઈ યુવાન આગળ જતાં ઉમદા ક્રિકેટર બની શકે છે. આ પ્રકારના કાર્યક્રમથી તેમનું વ્યક્તિત્વ ખીલી ઉઠે છે અને આજના જમાનામાં ક્રિકેટની સ્કીલ ઉપરાંત તેમનામાં ક્રિકેટની સમજ અને જ્ઞાન પણ તેમને આગળ જતાં તેમના ક્ષેત્રમાં લીડર બનાવી શકે છે.
ગુજરાતના ક્રિકેટના ઇતિહાસના સૌથી સફળ બેટ્સમેન પૈકીના એક પ્રિયાંક પંચાલ અને વર્તમાન રણજી ટ્રોફી ટીમના કેપ્ટન ચિંતન ગજાએ આ પ્રસંગે ખાસ હાજરી આપીને ઉપસ્થિત યુવાન અને ઉભરતા ક્રિકેટરોને બિરદાવ્યા હતા.
નરહરિ અમીને હીરામણિ સ્કૂલ અને જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ તરીકે આ કાર્યક્રમને સફળ બનાવવામાં ઘણી મદદ કરી હતી. તેમણે તેમની સંસ્થાનો હોલ તથા અન્ય તમામ સુવિધા એસોસિયેશનને સ્પોન્સ્રર કરી હતી. આ ઉપરાંત ગેટ એ બેટના નમન ઢિંગરા અને તેમના ભાગીદાર નમન શાહ, એસ ટેનિસ એકેડમીના પ્રમેશ મોદી સ્પોન્સર્સ રહ્યા હતા અને તેમણે આર્થિક રીતે મદદ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જાણીતા રમત પત્રકાર સુનીલ વૈદ્યએ ક્વિઝનું સંચાલન કર્યું હતું અને અશોક મિસ્ત્રીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આયોજન સમિતિના સદસ્યો રિપલ ક્રિસ્ટી, નરેન્દ્ર પંચોલી અને અલી અસગરે સફળ આયોજન કર્યું હતું.
સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાતના તમામ હોદ્દેદારોએ આ કાર્યક્રમમાં ખૂબ રસ લઈને સફળ આયોજન કર્યું હતું જેમાં પેટ્રન હિતેષ પટેલ (પોચી), પ્રમુખ તુષ।ર ત્રિવેદી, ઉપપ્રમુખ રિપલ ક્રિસ્ટી, સેક્રેટરી નરેન્દ્ર પંચોલી, ભવેન કચ્છી, કારોબારીના સભ્યો અલી અસગર, સાબુ ચેરિયન, શૈલેષ નાયક, રામકૃષ્ણ પંડિત, ચિંતન રામી, જિજ્ઞેશ વોરા, રાકેશ ગાંધી, મહેબૂબ કુરેશીનો સમાવેશ થતો હતો.