સમસ્ત દસ ગામ લેઉવા પાટીદાર સમાજ આયોજિત સમાજ રત્ન એવોર્ડ કાર્યક્રમ, શારદા- મણિ કોમ્યુનિટી હૉલ, અડાલજ ખાતે યોજાયો હતો. જેના અધ્યક્ષ સ્થાને નરહરિ અમીન (રાજ્યસભાના સાંસદ તેમજ અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અડાલજના ચેરમેન) તેમજ અતિથિ વિશેષ તરીકે જયેશ રાદડિયા (પૂર્વ મંત્રીશ્રી, ધારાસભ્ય, રાજકોટ નાગરિક બેંકના ચેરમેન, ડિરેકટર ઈફકો) સાબરકાંઠા ડિસ્ટ્રિકટ બેંકના પૂર્વ ચેરમેન સહકાર અગ્રણી મહેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે દસ ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા ઉનાવા ગામના વતની એવા અક્ષર નિવાસી પ્રો.શંકર પટેલ કે જેઓ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય તેમજ ખેડૂત પુત્ર, અર્થશાસ્ત્રી અને રાજનીતિ શાસ્ત્રના સફળ અધ્યાપક તેમજ ગાંધીવાદી વિચારસરણીના પ્રણેતા હતા. ગુજરાતમાં અનામત આંદોલન વખતે રચાયેલ અખિલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ પદે પણ તેઓએ સફળ કામગીરી કરી હતી, તેમને આજરોજ સમાજ દ્વારા મરણોત્તર સમાજ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો. પ્રો.શંકર પટેલનો મરણોત્તર એવોર્ડ તેમના પરિવારના સભ્યો જીગ્નેશ પટેલ, રાજુ પટેલ, પીનાબેન જીગ્નેશ પટેલ, વીજુલ વરુણ અમીન, વરુણ નરહરિ અમીન દ્વારા સ્વિકારવામાં આવ્યો હતો.
તેમજ નારણ પટેલ કે જેઓ આ સમાજના સ્થાપક સભ્ય છે તેમ જ પૂખરાજ રાયચંદ જનરલ હૉસ્પિટલના સ્થાપક – ચેરમેન અને હાલમાં પ્રમુખ તરીકે વર્ષોથી સેવાઓ આપી રહ્યા છે. તેમજ મસ્કતી કાપડ માર્કેટમાં કારોબારી સભ્ય તરીકે વેપારીઓના પ્રશ્નો માટે સક્રિય રજૂઆત કરી છે તેમજ ૯૨ વર્ષની ઉંમરે પણ પાટીદાર સમાજનાં હિતમાં સામાજિક પ્રસંગ હોય, શૈક્ષણિક સેવા હોય કે આરોગ્ય સેવા હોય હરહંમેશ સક્રિય રહી અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે તે બદલ તેમને સમાજ દ્વારા સમાજ રત્ન એવોર્ડ આજરોજ આપવામાં આવ્યો. આ પ્રસંગે નારણ પટેલના પુત્ર દેવન્દ્ર (ચીકા) પટેલ તેમજ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સમસ્ત દસ ગામ લેઉવા પાટીદાર સમાજનાં હોદ્દેદારો અને પાટીદાર સમાજ નાં ભાઈઓ-બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.