શનિ મંદિરની બહાર ગેરકાયદે રેલિંગ તોડવા આવેલા તંત્રના અધિકારીઓ વિરુદ્ધ લોકોએ જોરદાર વિરોધ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા
નવી દિલ્હી
રાજધાની દિલ્હીમાં એક મંદિરની બહાર ગેરકાયદે બાંધકામને લઈને સામાન્ય લોકો અને તંત્ર વચ્ચે ઝઘડો વધી ગયો છે. ગુરુવારે પૂર્વ દિલ્હીના મંડાવલી વિસ્તારમાં શનિ મંદિરની બહાર ગેરકાયદે રેલિંગ તોડવા આવેલા તંત્રના અધિકારીઓ વિરુદ્ધ લોકોએ જોરદાર વિરોધ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા. સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. મોટી સંખ્યામાં લોકોની ભીડને જોતા સ્થાનિક પોલીસની સાથે સાથે મોટી સંખ્યામાં અર્ધલશ્કરી દળોને પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.
જે સમયે વહીવટીતંત્ર તેની કાર્યવાહી માટે પહોંચ્યું તે સમયે મંદિરમાં મહિલાઓ ભજન ગાતી હતી. લોકોએ વહીવટીતંત્રની કાર્યવાહીનો વિરોધ કરીને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. પૂર્વ દિલ્હીના ડીએમએ કહ્યું કે અહીં માત્ર રેલિંગ હટાવવા આવ્યા હતા અને તેને હટાવવાનું કામ ચાલી રહ્યું છે. તંત્રના કહેવા પ્રમાણે મંદિર તોડવાનું નથી, તેનો હેતુ માત્ર રેલિંગ હટાવીને ફૂટપાથ સાફ કરવાનો હતો.