બરોડાએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સિક્કિમ સામે ટી20 ઇતિહાસમાં સર્વોચ્ચ સ્કોર (349/5) બનાવ્યો
ભાનુ પનિયાએ 51 બોલમાં અણનમ 136 રન બનાવ્યા જેમાં 15 છગ્ગાનો સમાવેશ થાય છે
બરોડાએ 37 સિક્સ ફટકારી અને 263 રનથી જીત મેળવી, પનિયાની આ પ્રથમ ટી20 સદી હતી.
ઈન્દોર
આજે એટલે કે 5મી ડિસેમ્બરે બરોડા અને સિક્કિમ વચ્ચે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચ રમાઈ હતી. આ મેચમાં બરોડાએ ઈતિહાસ રચ્યો હતો. તેણે ટી20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બરોડાએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 349 રનનો રેકોર્ડ બનાવ્યો હતો. બરોડાએ તેની ઇનિંગમાં કુલ 37 સિક્સર ફટકારી હતી. તેમાંથી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ભાનુ પનિયાએ 15 સિક્સ ફટકારી હતી. આ બેટ્સમેને સિક્કિમના બોલરોને ઝૂડી કાઢ્યા હતા.
હંગામો મચાવનારો ભાનુ પનિયા કોણ છે?
અત્રે ઉલ્લેખનિય છે કે ભાનુ પનિયાએ 51 બોલમાં અણનમ 134 રન બનાવ્યા હતા. ભાનુએ 15 છગ્ગા ઉપરાંત 5 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. ભાનુએ માત્ર ચોગ્ગા અને છગ્ગાના આધારે 110 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 262.75 હતો. ભાનુ પનિયાએ 20 બોલમાં પોતાની અડધી સદી અને 42 બોલમાં સદી પૂરી કરીને વિશ્વને બતાવ્યું કે તેનામાં કેટલી પ્રતિભા છે.
ભાનુ પનિયા મધ્યમ ક્રમનો જમણેરી બેટ્સમેન છે જેણે 2021 માં બરોડા માટે લિસ્ટ એ અને ટી20 ડેબ્યૂ કર્યું હતું. તે 28 વર્ષનો છે અને તેનો જન્મ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. સિક્કિમ સામેની સદી તેની પ્રથમ ટી20 સદી હતી અને તે પહેલા તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર માત્ર 55 રન હતો.
સિક્કિમની રમત પહેલા, ટી20માં તેની સરેરાશ 35 મેચમાં 25.61 હતી અને તેણે 135.68ના સ્ટ્રાઈક રેટથી સ્કોર કર્યો હતો. તેની લિસ્ટ એ એવરેજ માત્ર 21 છે. પરંતુ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની વર્તમાન સિઝનમાં કર્ણાટક, સૌરાષ્ટ્ર અને તામિલનાડુ સામે સારી ઇનિંગ્સ રમ્યા બાદ હવે તેણે સિક્કિમ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ભાનુ પનિયા ઉપરાંત, શિવાલિક શર્મા અને વિષ્ણુ સોલંકીએ પણ દરેક જગ્યાએ બોલને ફટકાર્યો અને બરોડાને ટી20 ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવવામાં મદદ કરવા માટે ઝડપી અડધી સદી ફટકારી. જવાબમાં સિક્કિમ માત્ર 86 રન બનાવી શકી અને બરોડાએ 263 રનથી જંગી જીત નોંધાવી.