સિંગ્લસ ફાઈનલમાં વૈષ્ણવીએ જામશિદીને 6-2, 6-1થી જ્યારે ડબલ્સમાં પૂજા સાથે મળીને તેણે જાપાનની જોડીને 6-3, 2-6 અને 12-10થી પરાજ્ય આપી ટાઈટલ મેળવ્યા
અમદાવાદ
એસ ટેનિસ એકેડમી ખાતે સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી રમાયેલી આઈટીએફ વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં વિશ્વભરની પ્રતિભાસંપન્ન ખેલાડીઓએ ભાગ લઈને ઈવેન્ટને અત્યંત રોમાંચક બનાવી હતી. ભારતની વૈષ્ણવી અદકરે સિંગલ્સ અને ડબલ્સનાં બેવડાં ટાઈટલ જીત્યા હતા. વિમેન્સ સિંગ્લસની ફાઈનલમાં તેણે ડેનમાર્કની જામશિદીને આસાનીથી એક કલાકની અંદર જ 6-2,6-1થી પરાજય આપ્યો હતો. વિમેન્સ ડબલ્સનો મુકાબલો સૌથી વધુ રોમાંચક બન્યો હતો. ભારતની વૈષ્ણવી અને પૂજા ઈંગ્લેની જોડીએ જાપાનની કોબાયાશી તથા નાગાટાની જોડીને 77 મિનિટ સુધી રમાયેલી ફાઈનલમાં 6-3, 2-6, 12-10ના સ્કોરથી હરાવીને ટાઈટલ જીતી લીધું હતું. ત્રીજો સેટ સુપર ટાઈબ્રેકમાં રમાયો હતો જેમાં બંને જોડીએ દરેક પોઈન્ટ માટે જોરદાર સંઘર્ષ કર્યો હતો અને અંતે જાપાનની ખેલાડીઓની નાની નાની ભૂલોનો લાભ ઊઠાવતા પૂજા અને વૈષ્ણવીની જોડીએ ટાઈટલ પર કબજો જમાવ્યો હતો.

ટૂર્નામેન્ટથી ગુજરાતન ખેલાડીઓને લાભઃ પ્રમેશ મોદી
એસ એકેડમી પર રમાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી ગુજરાતના ખેલાડીઓને ખૂબજ લાભ થયો છે, એમ એસ એકેડમીના પ્રમેશ મોદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતની ખેલાડીએ ટાઈટલ જીત્યું એ ગર્વની વાત છે જ્યારે ગુજરાતની સ્ટાર ખેલાડી ઝિલ દેસાઈ ભલે સેમિફાઈનલમાં હારી ગઈ પરંતુ તેને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામે રમવાનો ખૂબજ સારો અનુભવ મળ્યો છે. સ્પર્ધાના આયોજનથી રાજ્યના ખેલાડીઓને યજમાન તરીકે તેમની પ્રતિભા બતાવવાની સારી તક મળી છે અને આવી વધુને વધુ આવી સ્પર્ધાથી રાજ્યના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા અને આવા ખેલાડીઓની રમત જોવાની સારી તક મળશે.
ગુજરાતના ખેલાડીઓનો દેખાવ દર્શનીયઃ દમિત્રી બાસ્કોવ
સ્પર્ધાના વિજેતા ખેલાડીઓ ખાસ કરીને સિંગલ્સ ટાઈટલ જીતનારી વૈષ્ણવી અદકર અને તેની સાથેની જોડીમાં ડબલ્સ ટાઈટલ જાતનારી પૂજાની રમતની પ્રશંસા કરતા એસ એકેડમીના કોચ દમિત્રી બાસ્કોવે જણાવ્યું હતું કે દેશની ખેલાડીઓએ ઘરઆંગણાનો લાભ લેવા ઉપરાંત શાનદાર રમત સાથે દેશને ગર્વ અપાવ્યું છે. ગુજરાતની ઝિલ દેસાઈ સહિતની ખેલાડીઓનું પ્રદર્શન પણ સરાહનીય રહ્યું છે. આવી વધુને વધુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ રાજ્ય અને દેશના ખેલાડીઓ માટે લાભદાયક પુરવાર થશે।