પોલીસે મુંબઈની અંધેરી કોર્ટમાં મેજિસ્ટ્રેટની સામે તેમનું નિવેદન આપ્યું
નવી દિલ્હી
ભારતીય ક્રિકેટર પૃથ્વી શો પર સોશિયલ મીડિયા પ્રભાવક સપના ગિલ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને મુંબઈ પોલીસે ખોટા અને પાયાવિહોણા જાહેર કર્યા છે. પોલીસે સોમવારે મુંબઈની અંધેરી કોર્ટમાં મેજિસ્ટ્રેટની સામે તેમનું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે સપના ગિલ દ્વારા ભારતીય ક્રિકેટર પર લગાવવામાં આવેલા શોષણના આરોપો ખોટા હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે આ વર્ષે 15 ફેબ્રુઆરીએ સપના ગિલે પૃથ્વી શો પર પબમાં તેનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ગિલની ફરિયાદ બાદ જ્યારે મુંબઈ પોલીસે પૃથ્વી શો વિરુદ્ધ એફઆઈઆર દાખલ ન કરી ત્યારે તેણે મુંબઈની અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સપનાના વકીલ અલી કાશિફ ખાને અંધેરી કોર્ટમાં એફઆઈઆર નોંધવાની અપીલ કરી હતી. ત્યારબાદ મેજિસ્ટ્રેટે પોલીસને સમગ્ર મામલામાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પોતાનું નિવેદન કોર્ટમાં આપ્યુ છે અને કહ્યું કે, જે પણ વિટનેસ ઘટના સ્થળ પર હાજર હતા તેમાંથી કોઈએ પણ પૃથ્વી શોને સપના ગિલનું શોષણ કરતા નથી જોયો. વિટનેસમાં એક સીઆઈએસએફનો સ્ટાફ પણ હતો. તેમનું કહેવું છે કે, ગિલ જ ક્રિકેટર સાથે દુર્વ્યવહાર કરી રહી હતી.
પોલીસ રિપોર્ટ બાદ સપના ગીલના વકીલે કોર્ટને વિડિયો ફૂટેજ બતાવવાનો આગ્રહ કર્યો હતો જેમાં સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને જે સપના ગીલના મિત્રએ પોતાના ફોનમાં રેકોર્ડ કર્યો હતો. તે વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો. કોર્ટે હવે પોલીસને સમગ્ર ઘટનાનો વીડિયો બહાર લાવવા કહ્યું છે. આ આદેશ સાથે તેમણે મામલાની સુનાવણી 28 જૂન સુધી સ્થગિત કરી દીધી છે. મતલબ કે આ કેસની આગામી સુનાવણી 28 જૂને થશે.
સપના ગિલે પૃથ્વી શો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ગિલે પૃથ્વી શો વિરુદ્ધ કલમ 354, કલમ 509 અને કલમ 324 હેઠળ ફરિયાદ કરી હતી. ગિલની ફરિયાદમાં પૃથ્વી શો ઉપરાંત તેના મિત્ર આશિષ યાદવનું પણ નામ હતું. ગિલનો આરોપ છે કે, આશિષ યાદવે તેને બેટથી માર માર્યો હતો. જોકે, જ્યારે પોલીસે ફરિયાદો સાંભળી ન હતી ત્યારે સપના ગીલે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.