ફિલ્મના વિરોધ માટે વાહનોમાં નિકળેલા કાર્યકરો અને પોલીસ વચ્ચે વિવાદ થતા મુંબઇ જતા માર્ગ પર 6 કિ.મી. સુધી ચક્કાજામ
વાપી
આદિપુરષ હિંન્દી ફિલ્મ રિલિઝ થયા બાદ ઠેર ઠેર લોકોમાં ભારે વિરોધ ઉઠ્યા બાદ ગઇકાલે સોમવારે મહારાષ્ટ્રના અછાડ હાઇવે પર પોલીસે મુંબઇ ફિલ્મનો વિરોધ કરવા વાહનમાં જતા કરણીસેનાના આગેવાનો અને કાર્યકરોને અટકાવ્યા હતા. પોલીસ અને કાર્યકરો વચ્ચે વિવાદ થતા મુંબઇ જતા માર્ગ પર 6 કિ.મી. સુધી ચક્કાજામ થયો હતો.
તાજેતરમાં જ રિલિઝ થયેલી આદિપુરૂષ હિન્દી ફિલ્મ સામે દેશભરમાં ભારે વિરોધ ઉઠ્યો છે. ફિલ્મના દશ્યો અને ડાયલોગ લઇ ધાર્મિક લાગણી દુભાતા ભારે વિરોધ ઉઠ્યો હતો. ફિલ્મના વિવાદમાં ગઇકાલે સોમવારે ગુજરાત કરણીસેનાના આગેવાનો અને કાર્યકરો મુબઇ વિરોધ કરવા વાહન મારફતે મુંબઇ જવા નિકળ્યા હતા. મહારાષ્ટ્રના અછાડ હાઇવે પર પોલીસે વાહનોને અટકાવ્યા હતા. જેને પગલે પોલીસ અને કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ ઉભુ થયું હતું. કાર્યકરો પોલીસની કામગીરી સામે આક્રોશ ઠાલવી ધરણા પર બેસી ગયા હતા. જેને કારણે મુંબઇ તરફ જતા માર્ગ પર લગભગ 6 કિ.મી. સુધી વાહનોની લાંબી લાંબી કતાર લાગી જતા બેથી ત્રણ ક્લાક સુધી ટ્રાફિકજામ થઇ જતા વાહન ચાલકો મુશકેલીમાં મુકાયા હતા. પોલીસ અધિકારી કરણીસેનાના કાર્યકરોને પોલીસ મથકે લઇ જઇ વાતચીત કરી હતી.