ગુજરાત પહેલી વાર સિનિયર નેશનલ અને ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની યજમાની કરશે
સુરત,તા
જેની લાંબા સમયી રાહ જોવાતી હતી તે યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024નો 19મી જાન્યુઆરીથી અહીંના પંડિત દીનદયાલ ઉપાધ્યાય (પીડીપીયુ) ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રારંભ થનારો છે અને તમામની નજર ભારતના ત્રીજા ક્રમના તથા વર્તમાન ચેમ્પિયન સ્થાનિક ખેલાડી હરમિત દેસાઈ પર રહેશે. તે હાલમાં પીસએસપીબીનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની સિંગલ્સ ઇવેન્ટમાં હરમિત ફેવરિટ તરીકે શરૂઆત કરશે.
20 લાખ રૂપિયાની ઇનામી રકમ ધરાવતી ચેમ્પિનશિપ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ) અને ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરત (ટીટીએએસડી)ના સંયુક્ત ઉપક્રમે તથા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ થઈ રહ્યું છે. જેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એસએઆઈ) અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી) તથા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી)નો સહકાર સાંપડેલો છે.

આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) છે અને હીરો તેના સ્પોન્સર છે અને કો-સ્પોન્સર એનજે ગ્રૂપ છે તો એસોસિયેટ્સ સ્પોન્સરમાં ગુજરાત ટુરિઝમ, ઓએનજીસી, પ્રતિભા ગ્રૂપ અને એરપર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સામેલ છે, સ્ટિગા ઇક્વિપમેન્ટ સ્પોન્સર રહેશે જ્યારે SIDS હોસ્પિટલ મેડીકલ પાર્ટનર રહેશે.
હરમિત દેસાઈના જ શહેરનો તેનો સાથીદાર માનવ ઠક્કર પીએસપીબીનું પ્રતિનિધિત્વ કરશે તે હાલમાં પાંચમા ક્રમે છે. જ્યારે વડોદરાનો માનુષ શાહ ભારતમાં ત્રીજા ક્રમે છે અને તે રિઝર્વ બેંક માટે રમશે. આ તમામ ખેલાડીઓ ટાઇટલ માટે આશાસ્પદ છે કેમ કે તેઓ સ્થાનિક ગુજરાતી પ્રેક્ષકો સામે રમવાના છે.
ભારતના મોખરાના ક્રમનો જી. સાથિયાન અને બીજા ક્રમનો અંકુર ભટ્ટાટાર્ય પણ પ્રમુખ દાવેદાર છે અને તેઓ ગુજરાતના ખેલાડીઓ સામે અપસેટ માટે સજ્જ છે.
આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ 180 રેન્કિંગ પોઇન્ટ આપનારી આ ટુર્નામેન્ટમાં મેન્સ અને વિમેન્સ સિંગલ્સ, ટીમ ચેમ્પિયનશિપ, મેન્સ અને વિમેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં હરિફાઈ થશે જ્યાં સમગ્ર દેશમાંથી 800 કરતા વધારે પેડલર ભાગ લેનારા છે. આ ખેલાડીઓમાં ઓલિમ્પિયન અને ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લઈ ચૂકેલા ખેલાડીઓ પણ સામેલ છે જેમે કે અચંતા શરથ કમાલ, વિશ્વમાં 25મા ક્રમની શ્રીજા અકુલા, ભારતની મોખરાના ક્રમની સ્વસ્તિકા ઘોષ, અહિકા મુખરજી અને સુતિર્થા મુખરજીનો સમાવેશ થાય છે.
ટીમ ઇવેન્ટમાં મેન્સ અને વિમેન્સ કેટેગરીમાં પેટ્રોલિયમ સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ (પીએસપીબી)ની ટીમ ફેવરિટ મનાય છે.
યજમાન ગુજરાત માટે અનુભવી ચિત્રાક્ષ ભટ્ટ, જયનિલ મહેતા અને જન્મેજય પટેલ પર સૌની નજર રહેશે. ગુજરાતની વિમેન્સ ટીમમાં અનુભવી ક્રિત્વિકા સિંહા રોય, ફ્રેનાઝ છિપીયા અને ફિલઝાહ ફાતીમા કાદરી આ ઇવેન્ટમાં મેડલ જીતવાના ઇરાદા સાથે કેટલાક અપસેટ સર્જે તેવી અપેક્ષા રખાય છે.
આ ચેમ્પિયનશિપ 16 સ્ટિગા ટેબલ પર રમાશે જ્યારે DHS બોલ ઓફિશિયલ ઇક્વિપમેન્ટ રહેશે. ટુર્નામેન્ટ મેનેજર એન. ગણેશને સર્વશ્રેષ્ઠ અધિકારીની ટીમની ખાતરી આપી છે. જેમાં એ એસ ક્લેર ચીફ રેફરી રહેશે જેમને પી બી ભાસ્કર, નલીન સોમાણી અને મનીષ હિંગોરાણીની ટીમ સહયોગ કરશે. 15 બ્લૂ બેજ અમ્પાયર અને 45 નેશનલ તથા ઇન્ટરનેશનલ અમ્પાયર આ ટુર્નામેન્ટમાં ફરજ બજાવશે.
જીએસટીટીએના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે અમે પહેલી વાર આ ટુર્નામેન્ટ યોજી રહ્યા છીએ ત્યારે 1200 કરતા વધુ પ્રવેશ નોંધાયા છે. કેન્દ્રીય પ્રધાન જય શક્તિ (નવસારીના સાંસદ) સી આર પાટીલ 19મીએ સાંજે 4.00 કલાકે ટુર્નામેન્ટનું ઉદઘાટન કરશે તે પ્રસંગે રાજ્યકક્ષાના ગૃહ, ઉદ્યોગ, સાંસ્કૃતિક (પરિવહન, યુવા અને રમતગમત) પ્રધાન હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે વિશેષ હાજરી આપશે. હું આ પ્રસંગે સુરતીઓને સ્ટેડિયમમાં હાજર રહીને ટેબલ ટેનિસનો રોમાંચ માણવા અરજ કરું છું તેમ ચૌધરીએ કહ્યું હતું.
પત્રકાર પરિષદમાં સુરતના મોટા સ્ટાર હરમિત દેસાઈએ પણ હાજરી આપી હતી. તેણે જીએસટીટીએ અને ટીટીએસડીના પ્રયાસને બિરદાવ્યો હતો અને આ પ્રકારની મેગા ઇવેન્ટ શહેરમાં લાવવા બદલ પ્રશંસા કરી હતી. “આ એક ગૌરવની બાબત એ છે કેમ કે ટુર્નામેન્ટના 86 વર્ષના ઇતિહાસમાં ગુજરાતને પહેલી વાર તેનું આયોજન કરવાની તક મળી છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હું ચાર મેગા ટુર્નામેન્ટ રમ્યો છું અને સારા પરિણામ આવ્યા છે. મને આશા છે કે મારી સફળ આગેકૂચ આ વખતે જારી રહેશે.” તેમ કહીને 31 વર્ષીય ઓલિમ્પિયને ઉમેર્યું હતું કે “2008થી હું ગુજરાતના પેડલરની પ્રગતિનો સાક્ષી છું અને મને આશા છે કે વધુ ખેલાડીઓ આગળના લેવલે પહોંચશે.”
ટુર્નામેન્ટના આયોજન સેક્રેટરી કુશલ સંગતાણીએ જણાવ્યું હતું કે ભારતની સૌથી મોટી ટેબલ ટેનિસ ઇવેન્ટ માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. જીએસટીટીએ પહેલી વાર આ પ્રકારની ટીટી ટુર્નામેન્ટ યોજી રહ્યું છે. અમારી પાસે સર્વોત્તમ સવલત અને માળખું છેં. ટુર્નામેન્ટ સૌથી મોટી સફળતા રહેશે. તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતની મેન્સ ટીમઃ ચિત્રાક્ષ ભટ્ટ (સુકાની), જયનિલ મહેતા, જન્મેજય પટેલ, પ્રથમ માદલાણી, અભિષેક રાવલ.
ગુજરાતની વિમેન્સ ટીમઃ ક્રિત્વિકા સિંહા રોય (સુકાની), ફ્રેનાઝ છિપિયા, રિયા ડયસ્વાલ, ફિલઝાહ ફાતીમા કાદરી, ઓઇશિકી જોઆરદાર