જીસીએના પદાધિકારી ટિકિટની ખાતરી આપ્યા બાદ ફરી ગયા, સચીનના ફેન સુધીરે મધ્યસ્થી કરતા અરૂણ હરિયાણીને મેચના દિવસે ટિકિટ આપવાની ખાતરી
અમદાવાદ
કોઈ પણ રમત માટે તેના ચાહકો-પ્રેક્ષકો ખેલાડી અને ખેલ માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. ક્રિકેટની રમતમાં ચોક્કસ ખેલાડીઓ કે ટીમ ઈન્ડિયાના અનેક એવા ફેન્સ છે કે જેમાંના કેટલાક તો વિશ્વભરમાં જ્યારે કેટલાક દેશમાં ખેલાડી-ટીમને ચિયર કરવા વિશેષ ડ્રેસઅપ સાથે સ્ટેડિયમમાં પહોંચતા હોય છે. આ ફેન્સને સામાન્ય રીતે જે-તે યજમાન એસોશિયેશન અથવા ક્યારેક કોઈ ક્રિકેટર સ્ટેડિયમની ટિકિટ આપી દેતા હોય છે. પરંતુ અમદાવાદના એક ક્રિકેટ ફેનને ટિકિટ માટે સતત સંઘર્ષ કરવો પડતો હોવાનું જાણવા મળ્યું છે.
અરૂણ હરિયાણીઃ ટીમ ઈન્ડિયાનો અમદાવાદી ક્રિકેટ ફેન
ભારતીય ટીમ અને ક્રિકેટના ફેન્સમાંનો એક ખુબજ જાણીતો ચહેરો સચિન તેંડૂલકરનો ફેન સુધીર છે. આ ઉપરાંત પણ અનેક ક્રિકેટ ફેન્સ ભારતીય ટીમની મેચ સમયે સ્ટેડિયમમાં જોવા મળતા હોય છે. આમાંનો એક ફેન્સ અમદવાદી છે. આ યુવકનું નામ છે અરૂણ હરિયાણી. ક્રિકેટના જબરજસ્ત ફેન ખાસ કરીને ટીમ ઈન્ડિયાના સમર્થક અરુણે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદની દરેક આંતરરાષ્ટ્રીય મેચમાં સ્ટેડિયમમાં જઈને ટીમ ઈન્ડિયાને ચિયર કરી છે.

ગુજરાત ટાઈટન્સ આઈપીએલની ટિકિટ આપે
આઈપીએલમાં તો તેને ગુજરાત ટાઈટન્સ હંમેશા આપીએલની મેચોમાં ટીમને ચિયર કરવા ટિકિટ આપતી હોય છે. અરૂણનો ક્રિકેટ ક્રેઝ અને ટીમ ઈન્ડિયા પ્રત્યેની તેની ભાવના જોરદાર છે તેથી તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ તેમાં રમાયેલી દરેક આંતરરાષ્ટ્રીય મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચી જતો હોય છે. આના માટે તે ગમે એમ કરીને ટિકિટ મેળવી લે છે પરંતુ તેને દરેક વખતે ટિકિટ માટે સંઘર્ષ કરવો પડે છે.
વર્લ્ડ કપ વખતે પ્રેક્ષકે ટિકિટ આપી
પોતાના ભાઈ સાથે ટેક્સટાઈલના વ્યવસાયમાં કાર્યરત અમદાવાદના કુબેરનગરમાં રહેતો અરૂણ તેના ટિકિટ માટેના સંઘર્ષને વાગોળતા કહે છે કે તે ટીમ ઈન્ડિયાને ચિયર કરવા બેતાબ હોય છે અને એના માટે તે સ્ટેડિયમમાં શરીર પર તિરંગો ચિતરાવીને પ્રેક્ષકોની વચ્ચે બેસીને મેચ નિહાળે છે. અમદાવાદમાં ટી20 વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાનની અત્યંત રોમાંચક મેચ માટે પણ અરૂણને તમામ પ્રયાસ છતાં ટિકિટ મળી નહતી પરંતુ હિંમત હાર્યા વગર તે સ્ટેડિયમ સુધી તો પહોંચી ગયો પરંતુ ત્યાં પણ ટિકિટનો મેળ ન પડ્યો. નિરાશ અરૂણને તિરંગાના રંગે રંગાયેલા જોઈને એક પ્રેક્ષકે તેની સાથે વાત કરી અને તેના ક્રિકેટના ક્રેઝ અને ટીમ ઈન્ડિયાને ચિયર કરવાની તેન ધગશ જાણીને અરુણને ટિકિટ આપી દીધી અને અરૂણે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાને ચિયર કર્યું હતું.
ભારત-ઈંગ્લેન્ડની નિરસ મેચ માટે પણ ટિકિટ માટે ટટળાવ્યો
અરૂણે ભારત-ઈંગ્લેન્ડની વન-ડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી ઔપચારિક મેચ માટે જીસીએના એક અધિકારીનો થોડા દિવસ પહેલાં ટિકિટ માટે સંપર્ક કર્યો હતો. જીસીએમાં સારો હોદ્દો ધરાવતા આ અધિકારીએ અરૂણને ટિકિટ આપવાની ખાતરી આપી હતી અને નવ ફેબ્રુઆરીએ સંપર્ક કરવા કહ્યું હતું.. નવ ફેબ્રુઆરીએ અરૂણે સંપર્ક કરતા જે-તે અધિકારીએ ટિકિટ બારી પરથી ટિકિટ ખરીદી લેવા જણાવ્યું. છેલ્લી ઘડીએ ટિકિટ ન મળતા અરૂણ 11 ફેબ્રુઆરીએ સ્ટેડિયમ પહોંચ્યો હતો. જોકે તેને ટિકિટ આપવામાં આવી નહતી.
સચિનના ફેન સુધીરે મધ્યસ્થી કરતા ટિકિટ આપવાની ખાતરી અપાઈ
ટિકિટ ન મળતાં નિરાશ અરૂણને સચિનનો ફેન સુધીર મળી ગયો. અરૂણે સુધીરને તેની સ્થિતિ અંગે વાત કરી. સુધીર તરત તેને જીસીએના જે-તે અધિકારી પાસે લઈ ગયો હતો અને આને શા માટે ટિકિટ નથી આપતા એમ કહીને રજૂઆત કરતા અરૂણને મેચના દિવસે ટિકિટ આપવાની બાંયધરી આપવામાં આવી હતા. જોકે, અરૂણે આ પહેલાં જ ટિકિટ બારી પરથી ટિકિટ ખરીદી લીધી હતી પરંતુ તેને સારા લોકેશનની ટિકિટ મળે એવી આશા છે. જોવું રહ્યું કે ક્રિકેટના આ ક્રેઝી ફેનનું સન્માન જળવાય છે કે કેમ.
