અમદાવાદ
ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના નેજા હેઠળ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન 5 થી 11 માર્ચ, 2025 દરમિયાન અમદાવાદના નારણપુરા સ્થિત જીએસસી બેંક ખાતે એક રોમાંચક રાષ્ટ્રીય ટીમ (પુરુષો અને મહિલા) ચેસ ચેમ્પિયનશિપ-2025 યોજાશે.
આ ટુર્નામેન્ટમાં ભારતના ટોચના ગ્રાન્ડમાસ્ટર્સ, મહિલા ગ્રાન્ડમાસ્ટર્સ અને આંતરરાષ્ટ્રીય માસ્ટર્સ ભાગ લેશે, જેમાં GM દિપ્તાયન ઘોષ, GM મિત્રભા ગુહા, GM વિગ્નેશ NR, WGM મેરી એન ગોમ્સ, IM પદ્મિની રાઉત અને WIM વિશ્વા વાસણાવાલા ભાગ લેશે.
ગુજરાતના ટોચના ખેલાડીઓ કર્તવ્ય અનાડકટ, કુશલ જાની અને મન અકબરી પુરૂષ વર્ગમાં ભાગ લઈ રહ્યા છે જ્યારે મહિલા વર્ગમાં હાન્યા શાહ, ફલક જોની નાઈક અને વૃષ્ટિ શાહ ભાગ લઈ રહ્યા છે.
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતમાંથી કુલ 60 ટીમો (પુરુષ શ્રેણીમાં 40 ટીમો અને મહિલા શ્રેણીમાં 20 ટીમો) ભાગ લઈ રહી છે. PSPB, રેલ્વે, LIC, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા વગેરે જેવી સંસ્થાકીય ટીમો પણ આ ઇવેન્ટમાં ભાગ લઈ રહી છે.
આ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કૃષ્ણા ગઢિયા (સેક્રેટરી, GSCA), ભાવેશ પટેલ (GSCA), સંજીવ ઠાકુર (જુ. સેક્રેટરી, AICF), GM તેજસ બાકરે (GSCA) અને GM અંકિત રાજપરા (GSCA) દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટ સ્વિસ સિસ્ટમ સાથે કુલ 9 રાઉન્ડમાં રમાશે. દરેક કેટેગરીમાં ટોચના દસ ખેલાડીઓ (10 પુરુષ અને 10 મહિલા) વચ્ચે કુલ 10 લાખ રૂપિયાનાં રોકડ ઇનામ આપવામાં આવશે. નીતિન શેનવી આ ટુર્નામેન્ટના મુખ્ય આર્બિટર રહેશે.