સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રાજ્યની 17 મહિલા ખેલાડીઓનું સન્માન કરાયું

Spread the love

આંતરરાષ્ટ્રીય મહિલા દિને ઈમર્જિંગ પ્લેયર-લાઈફ ટાઈમ એચિવમેન્ટ સહિત વિવિધ કેટગરીમાં 17 મહિલા ખેલાડીઓને પુરસ્કાર મેડલ આપી સન્માનિત કરાયાં

અમદાવાદના મેયર પ્રતિભા જૈન,સામાજિક કાર્યકર મિત્તલ પટેલ,ઓલ એઆઈસીએફના સેક્રેટરી દેવ પટેલ, અંડર વોટર સ્પોટર્સએસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ વરુણ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

અમદાવાદ

આંતરરાષ્ટ્રીય મહિલા દિને રાજ્યની 17 મહિલા ખેલાડીઓનું સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા પુરસ્કાર અને મેડલ્સ આપી સન્માન કરાયું હતું. અમદાવાદના મેયર પ્રતિભા જૈનના મુખ્યમહેમાન પદે યોજાયેલા સમારોહમાં રમત ક્ષેત્ર ખાસ કરીને ઓલિમ્પિક રમતોની પ્રતિભાશાળી મહિલા ખેલાડીઓને નવાજવાનો કાર્યક્રમ નવરંગપુરાના સ્પોટર્સ ક્લબ ખાતે યોજાયો હતો.

કાર્યક્રમમાં ચેસ ખેલાડી અર્પિ શાહને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાઈ હતી. સુરતની ટેબલ ટેનિસ ખેલાડી ફ્રેનાઝ ચિપયા અને બેડમિન્ટન ખેલાડી અમદાવાદની અનુષ્કા પરીખને લિજેન્ડ ઓફ ધ ગેમ એવોર્ડ એનાયત કરાયો હતો. ખેલાડીઓ, રમત એસોસિએશનના પદાધિકારીઓ અને રમત-ગમતના પત્રકારોની હાજરીમાં યોજાયેલા સમારોહમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સામાજિક કાર્યકર મિત્તલ પટેલ,અમી મોદી, ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના (એઆઈસીએફ)ના સેક્રેટરી દેવ પટેલ, અંડર વોટર સ્પોટર્સએસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ વરુણ પટેલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર શરત પિલ્લાઈ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ફિઝિકલ એજ્યુકેશન ટિચર ધિરજબા પરમાર, ફૂટબોલ કોચ મનીષા શાહ, જૂડો કોચ ઉષા જાધવ અને રેસલિંગ કોચ અનિતા વલવાડકરને કોન્ટ્રીબ્યુશન ઈન સ્પોટર્સ (રમત ક્ષેત્રે યોગદાન) બદલ સન્માનિત કરાયા હતા.

વિવિધ રમતોમાં ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ ગેમના એવોર્ડ દસ ખેલાડીઓને અપાયા હતા. ટેનિસ ખેલાડી ખુશાલી મોદી, રેસલર ગોપીબેન બખલાકિયા, પિકલબોલ ખેલાડી રક્ષિકા રવી, સ્ટીપલચેઝ એથ્લેટ વંદના મોરી, ફેન્શર અનિતા વણઝારા, કરાટે ખેલાડી પ્રિયંકા રામી, સ્વિમર વેનિકા પરીખ, રેસલર ભાવિકા પટેલ, જૂડો ખેલાડી રાહી ઘેલાણી અને હોકી ખેલાડી વિમલા થાપાને ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ ગેમ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે અત્યંત વ્યસ્તતા વચ્ચે આવેલા શેહરના મેયર પ્રતિભા જૈન એવોર્ડ મેળવનારી તમામ મહિલા ખેલાડીઓને બિરદાવતા કહ્યું હતું કે દેશ 2036માં ઓલિમ્પિકની દાવેદારી માટે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે શહેરમાં ઓલિમ્પિક કક્ષાનું વિશાલ સ્પોટર્સ સંકુલ તૈયાર થઈ રહ્યું છે જે બાબત પરથી રમતોના વિકાસ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. દેવ પટેલે એવોર્ડ જીતનારી દરેક મહિલા ખેલાડીને વધુ નહીં તો એક ખેલાડીને રમત માટે પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. દેવ પટેલે ચેસ ક્ષેત્રમાં મહિલા ખેલાડીઓના યોગદાનને વાગોળતા કેટલાક પ્રસંગો ટાંકીને મહિલાઓને રમતક્ષેત્રમાં આગળ આવવા હાકલ કરી હતી. સામાજિક કાર્યકર મિત્તલ પટેલે મહિલા ખેલાડીઓને રમતની સાથે સેવાને સાંકળવા અપીલ કરતા મહિલા પણ દરેક ક્ષેત્રે પોતાનું સામર્થ્ય બતાવે તો મહિલા-પુરુષના અંતરને કોઈ અવકાશ ન હોવાનો મત વ્યક્ત કર્યો હતો. જાણીતા પત્રકાર ભવેન કચ્છીએ ઓલિમ્પિક ગેમ્સ સહિતની રમતોમાં મહિલાઓની સતત ભાગીદારી પર પ્રકાશ પાડતા મહિલાઓએ રમત ક્ષેત્રે દેશને સારું સન્માન અપાવ્યું હોવાનું કહ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા એન્કર તુષાર જોશીએ કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમ સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત, એન.જી.ગ્રુપ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાન સહયોગથી યોજાયો હતો. એસજેએજીના પ્રમુખ તુષાર ત્રિવેદી, ઉપ પ્રમુખ રિપ્પલ ક્રિસ્ટી, સેક્રેટરી નરેન્દ્ર આઈ. પંચોલી, પેટ્રન હિતેષ પટેલ (પોચી), રામકૃષ્ણ પંડિત, સાબુ ચેરિયન, શૈલેષ નાયક, અલી અસગર દેવજાણી, અશોક મિસ્ત્રી, પ્રવિણ આહિર, અધિરાજસિંહ જાડેજા, રાકેશ ગાંધીએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું. હિમાંશુ ઉપાધ્યાયના નેતૃત્વમાં માહિતી ખાતાની ટીમે આ પ્રસંગે ખાસ હાજર રહી એવોર્ડ વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.  

One thought on “સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રાજ્યની 17 મહિલા ખેલાડીઓનું સન્માન કરાયું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *