ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીના દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા કોચ અમદાવાદમાં
મારી એકેડમીના 50થી વધુ ક્રિકેટર્સ ઊચ્ચકક્ષાનું ક્રિકેટ રમ્યા, અનુજ રાવત તાજેતરમાં આઈપીએલની ટીમમાં પસંદ થયો છે

અમદાવાદ
વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટમાં ફિટનેસનું આગવું કલ્ચર ઊભું કર્યું છે. એક સમયે ભારતીય ક્રિકેટર્સની ફિટનેસ અન્ય દેશોની સરખામણીએ ઊતરતી કક્ષાની હતી પણ હવે વિરાટની ફિટનેસ અંગેની સક્રિયતાને જોયા બાદ ભારતીય ટીમમાં પણ હવે મોટા ભાગના ક્રિકેટર્સમાં ફિટનેસ અંગે જાગૃતી આવી છે અને હવે તો ટીમમાં સ્થાન ટકાવી રાખવા ફિટનેસ અત્યંત મહત્વપૂર્ણ પાસુ બની ગયું છે, એમ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીના કોચ દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા રાજકુમાર શર્માએ આજે અત્રે જણાવ્યું હતું. અમદાવાદમાં હાયપરબેરિક ઓરક્સિજન થેરાપીના ગુજરાતના પ્રથમ કેન્દ્રને ખુલ્લું મુક્યા બાદ શર્માએ વિરાટ કોહલીને લઈને અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

અનેક વર્ષોથી ક્રિકેટનું દિલ્હીમાં કોચિંગ આપતા શર્માએ કહ્યું કે તેમની ક્રિકેટ એકેડમીમાંથી વિરાટ કોહલી ઉપરાંત 50થી વધુ ક્રિકેટર્સ રાષ્ટ્રીય ક્રિકેટમાં યોગદાન આપ્યું છે અને તાજેતરમાં તો અનુજ રાવત ગુજરાત ટાઈટન્સની ટીમ સાથે જોડાયો છે. છેલ્લા વીસ વર્ષથી દિલ્હીની ટીમ સાથે કોચ તરીકે જોડાયેલા શર્માના અનુસાર તેઓ હાલમાં દિલ્હી ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદાર પણ છે અને એને લીધે તેમની એકેડમીના ખેલાડીઓને ચોક્કસ લાભ થયો છે. તેઓ ક્રિકેટ ડાયરેક્ટર તરીકે સંકળાયા હોઈ તેનો લાભ મળી રહ્યો છે.
વિરાટની એક સમયે ચારેબાજુથી ટીકા થઈ રહી હતી ત્યારે તેણે તેમાંથી બહાર આવવા સંઘર્ષ પડ્યો હતો એ બાબતે શર્માએ કહ્યું કે કોઈ પણ ભારતીય ખેલાડી કરતા વધુ મેચ વિરાટે ભારતને જીતાડી છે. તે ઘણો મોટો ખેલાડી છે. તેની પાસેથી લોકોની અપેક્ષા ઘણી છે તથા તેણે પણ પોતાના માપદંડ ઊંચા રાખ્યા છે ત્યારે તેના માટે આવી સ્થિતિમાંથી બહાર આવવું બહુ મોટી વાત નથી. ઓફ સ્ટંપની બહારની બોલ પર વારંવાર મુશ્કેલીનો સામનો કરવા બાબતે તેમણએ કહ્યું કહ્યું કે આ બાબતે વિરાટ અને હું બન્ને ચિંતિત હતા પણ અમે તેના પર કામ કર્યું અને તેમાંથી બહાર આવ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં ટ્રાયબલ લિગ પર વાત કરતા તેમણે કહ્યું કે આ વિસ્તારના બાળકોમાં રમત પ્રત્યેનો લગાવ જોવા મળી રહ્યો છે. તેઓ શારીરિક રીતે વધુ મજબૂત લાગી રહ્યા છે પરંતુ તેમની પાસે ખાસ સ્કિલ નથી પરંતુ જો તેમને યોગ્ય તાલીમ અપાય તો ત્યાંથી સારા ક્રિકેટર્સ મળી શકે એમ છે. દસેક વર્ષ પહેલા મોટેરાના સ્ટેડિયમ પર એનસીએના કેમ્પના અનુભવને વાગોળતા તેમણએ કહ્યું હતું કે તેમને ગુજરાતમાં વધુને વધુ કામ કરવું ગમશે. વિરાટ બહુ નાની વયે મારી પાસે આવ્યો હતો અને એ પછીથી તે સતત આજસુધી મારા સંપર્કમાં રહ્યો છે. વિરાટે 2012 પછી ખૂબજ મહેનત કરીને રમતમાં ઊંચાઈ પ્રાપ્ત કરી છે. એટલું જ નહીં તે ખૂબજ ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે. વિરાટનો આત્મવિશ્વાસ અદભૂત છે, તે હંમેશા કહેતો આવ્યો છે કે કોઈ મને આઉટ કરીને તો બતાવે વળી તેની આક્રમકતા પણ તેનું જમા પાસું છે.