અમદાવાદ
ગુજરાતમાં પ્રથમ વાર ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ યોજાવાની છે. 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વિટી ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25ની ચાર સ્પર્ધાઓ તા. 24 થી 28 માર્ચ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે. ગત સિઝન કેરળમાં યોજાઈ હતી જેમાં ગુજરાત ટોચના આઠમાં સ્થાન મેળવી શક્યું નહતું.
ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (BSF, ITBP, CRPF, CISF, SSB વિગેરે)ના જવાનો વચ્ચે વિવિધ સ્પોર્ટ્સ કોમ્પિટિશન; રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન દર વર્ષે કરે છે.

રમતોને અલગ અલગ ક્લસ્ટરમાં વહેંચીને તેની યજમાની વિવિધ રાજ્યોમાં સ્થિત પોલીસ દળને સોંપીને, આ અખિલ ભારતીય પોલીસ રમતગમત સ્પર્ધાઓ ભારતભરમાં યોજવામાં આવે છે. આ વર્ષે એક્વેટિક ક્લસ્ટરની સ્પર્ધાઓ ગુજરાતમાં થવાની છે.
72 મી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટિક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫ની યજમાની ગુજરાત યુનિટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ગુજરાત યુનિટ કરી રહ્યું છે.
વિવિધ રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસ દળના જવાનો તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો આ પ્રકારની પોલીસ સ્પોર્ટ્સ કોમ્પિટિશન્સમાં વિજેતા થઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતી પોલીસ સ્પોર્ટ્સ કોમ્પિટિશન્સમાં પ્રતિસ્પર્ધા કરે છે.
ભારતની સરહદની પહેરેદારી કરતા તેમજ આંતરીક સુરક્ષા અને સલામતીની જવાબદારી સંભાળતા કેન્દ્રીય સશસ્ત્ર સુરક્ષા બળના જવાનો અને પોલીસ જવાનોમાં ખેલકૂદની ભાવનાને આવી સ્પર્ધાઓના આયોજનથી બળવત્તર કરવાનો આશય ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડનો છે.
તા. 24 થી 28 માર્ચ-2025 દરમિયાન આયોજિત “૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25”માં 27 રાજ્યોના 572 રમતવીરો સહભાગી થશે.
આ સ્પર્ધાનો સમાપન સમારોહ તા. 28મી માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજાશે અને ઉદ્ઘાટન સમારોહ ગુજરાતના પોલીસ મહાનિદેશક વિકાસ સહાયની ઉપસ્થિતિમાં તા. 24મી માર્ચના રોજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે.
આ ચાર દિવસીય સ્પર્ધા દરમિયાન પ્રતિસ્પર્ધીઓ વચ્ચે વિવિધ એક્વેટીક્સ અને ક્રોસ કન્ટ્રી સહિતની ચાર સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત તા. 26મી માર્ચના રોજ ચિલોડા રોડ, ગાંધીનગર ખાતે સ્થિત CRPF ગ્રુપ સેન્ટર ખાતે સાંજે 7 થી 9 કલાક દરમિયાન સંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
• સ્વિમિંગ સ્પર્ધા ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સ્વિમિંગ પૂલ ખાતે તા. 24 થી 28 માર્ચ દરમિયાન સવારે 8 વાગે તેમજ બપોરે 4.30 વાગ્યે યોજાશે.
• ડાઇવિંગ સ્પર્ધા અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં આવેલા સ્વિમિંગ પૂલ ખાતે તા. 25 થી 27 માર્ચના રોજ સવારે 10 વાગ્યાથી યોજાશે.
• વોટર પોલો સ્પર્ધા ગાંધીનગરમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સ્વિમિંગ પૂલમાં તા. 24 થી 28 માર્ચ દરમિયાન 11 વાગ્યાથી યોજાશે.
• ક્રોસ કન્ટ્રી સ્પર્ધા ગાંધીનગરમાં સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના મેઈન ગેટ પાસે, તા. 26 માર્ચના રોજ સવારે 6.30 વાગ્યે યોજાશે.
• ઓપનિંગ સેરેમની 24 માર્ચના રોજ 5 વાગ્યે તેમજ ક્લોઝિંગ સેરેમની 28 માર્ચના રોજ 5.20 કલાકે ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંકુલમાં યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, “72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25” સ્પર્ધામાં આંદામાન નિકોબાર પોલીસ, આંધ્રપ્રદેશ પોલીસ, આસામ પોલીસ અને આસામ રાઈફલ્સ, બોર્ડર સીકયોરીટી ફોર્સ, છત્તીસગઢ પોલીસ, સી.આઈ.એસ. એફ, સી.આર.પી.એફ, ગુજરાત પોલીસ, હરિયાણા પોલીસ, ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ, જમ્મુ- કાશ્મીર પોલીસ, ઝારખંડ પોલીસ, કર્ણાટક પોલીસ, કેરાલા અને મહારાષ્ટ્ર પોલીસ, એન.ડી.આર.એફ, ઓડીશા, રાજસ્થાન,તમિલનાડુ, ઉત્તરાખંડ, પશ્રિમ બંગાળ, તેલંગણા, ઉત્તર પ્રદેશ અને પંજાબ પોલીસ, રેલ્વે પ્રોટેકશન ફોર્સ, એસ.એસ.બીના 572 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. આ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ચાર રમતો યોજાશે જેમાં સાંઈ ખાતે સ્વીમીંગ અને વૉટર પોલો સ્પર્ધા, સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડાઈવીંગ સ્પર્ધા અને જી.સી.ગાંધીનગર ખાતે 10 કિ.મી ક્રોસ કંન્ટ્રી રન યોજાશે.